ગુજરાત
News of Sunday, 23rd January 2022

સુરતમાં બિલ્‍ડીંગ સાઇટ પર સગા બાપે બેદરકારીથી તેમની દિકરીને ટ્રેકટર નીચે ચકદી નાખતા કરૂણ મોત

પિતાની બેદરકારીને લઇને માસુમ કુલ જેવી દિકરીની જીવન લીલા અકાળે સંકેલાઇ ગઇ

સુરત:સુરતના મૂળ જાલોદનો રહેવાસી સુરેશ બારિયા ત્રણ મહિનાથી સુરતના અડાજણ વિસ્તારમાં નવા બની રહેલા કોમ્પ્લેક્સમાં મજૂરી કામ કરે છે. નવનિર્મિત કોમ્પ્લેક્સમાં સુરેશ બારિયા પોતાની પત્ની અને બે દીકરી સાથે રહે છે. ત્યારે શનિવારની સવારે કોમ્પ્લેક્સના કામ માટે રેતીનુ છારુ ભરવાનુ ટ્રેક્ટર મંગાવવામાં આવ્યુ હતું. ખુદ સુરેશ આ ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો.

સુરેશ ટ્રેક્ટર રિવર્સમાં લેવા ગયો ત્યારે પાછળથી બૂમ પડી હતી કે, કોઈ નીચે કચડાઈ ગયુ છે. સુરેશે ઉતરીને જોયુ તો તેની 3 વર્ષની દીકરી શીતલ જ ટ્રેક્ટરના તોતિંગ પૈડા નીચે કચડાઈ હતી. લોહીલુહાણ હાલતમા શીતલને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

તપાસમાં સામે આવ્યુ કે, સુરેશની બંને દીકરીઓ નવનિર્મિત કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં રમી રહી હતી. તેમાંથી એક દીકરી શીતલ ટ્રેક્ટરની આસપાસ હતી. પરંતુ સુરેશને એ વાતની ખબર ન હતી કે, દીકરી ટ્રેક્ટરની પાછળ છે. આ ઘટનાથી સુરેશ અને તેની પત્ની આઘાતમાં આવી ગયા હતા.

પોતાની જ બેદરકારીને લીધે પોતાની દીકરી ગુમાવનાર પિતાએ કહ્યું કે મારી હું મારી જાતને કદી માફ નહિ કરી શકું. અડાજણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:46 pm IST)