ગુજરાત
News of Sunday, 23rd January 2022

કેનેડામાં ચાર ગુજરાતીઓના મોત પર નીતિનભાઈએ કહ્યું - સરકાર અહીં તક ઉભી કરે જેથી વિદેશનો મોહ ઓછો થાય

મેરિકા-કેનેડાની બોર્ડર પર 4 ગુજરાતીઓના ઠંડીમાં ઠુંઠવાતા મૃત્યુ થયા હતા

અમદાવાદ :  અમેરિકા-કેનેડાની બોર્ડર પર 4 ગુજરાતીઓના ઠંડીમાં ઠુંઠવાતા મૃત્યુ થયા છે.આ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું કે, લોકો જોખમો લઇને અમેરિકા જાય છે.પાટીદાર સમાજના 4 લોકો અમેરિકા જતા હતા.4 લોકો ઠંડીમાં ઠુંઠવાતા મૃત્યુ થયા છે.ગઇકાલ રાતથી અમે સંપર્ક કરી રહ્યાં છીએ.અમિત શાહ કાર્યાલય પર પણ વિગતો મેળવી છે.

અત્યારે જે માહિતી છે તે સંભવિત માહિતી છે.ચોક્કસ નામ રેકોર્ડ પર નથી.આ સાથે જ કહ્યું કે, અમેરિકા જેવા દેશમાં જવા લાખો લોકો પ્રયાસ કરે છે.કેટલાક લોકો ટૂંકો રસ્તો શોધી ગેરકાયદેસર જવાનો પ્રયાસ કરે છે.સરકાર એવી તક ઉભી કરે કે લોકોને વિદેશનો મોહ ઓછો થાય.ઘણા લોકો વર્ષોથી ગેરકાયદે વિદેશમાં રહે છે.લોકોએ કાયદેસર જવું જોઇએ.

US-કેનેડા બોર્ડર ઉપર 4 લોકોના મૃત્યુ મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ડિંગુચા ગામના સરપંચનું કહેવું છે કે સમગ્ર ઘટનાથી હું અજાણ છું. પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો કરી રહ્યો છું. પોલીસ તપાસ માટે ડિંગુચા આવી છે. 

 

કેનેડામાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. આ વચ્ચે  કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં થીજી જતાં 4 ગુજરાતીઓના મૃતદેહ  મળ્યા હતા. ગુજરાતના ગાંધીનગરના ડિંગુચાનો અને કલોલમાં રહેતા પટેલ પરિવારનાં સદસ્યો  હોવાની વાત સામે આવી છે. વિદેશમંત્રી એસ.જયશંકરે પણ મૃતદેહો ભારતીયોના હોવાનું સ્વિકાર્યું છે. આ ચાર વ્યક્તિઓમાં એક પુરુષ, એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળ્યા હતા.  કલોલના આ હતભાગી પરિવારના  સદસ્યએ જણાવ્યું હતું કે,  તેમનો પરિવાર 4 દિવસથી ગુમ છે, પુત્ર 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. પરિવારના અન્ય એ જણાવ્યું કે હવે સોમવારે એમ્બેસીમાંથી માહિતી મળશે. 

દરમિયાન વિદેશ મંત્રાલયે અમેરિકા અને કેનેડામાં ભારતીય રાજદૂત સાથે  વાત કરતા ચાર લોકોના મૃત્યુ અંગે વધુ માહિતી આપી હતી. આ ગમખ્વાર ઘટનામાં જીવ ગુમાવનારા જગદીશ પટેલ, વૈશાલી પટેલ, ધાર્મિક પટેલ અને ગોપી પટેલનો સમાવેશ થાય છે. 

 

(4:44 pm IST)