ગુજરાત
News of Sunday, 23rd January 2022

નર્મદા ધારીખેડા સુગર ફેકટરીના કેમિકલ યુક્ત પાણી નર્મદા નદીમાં જવાની બૂમ બાદ GPCB ની ટીમેં ચેકીંગ હાથ ધર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીનું કેમિકલ યુક્ત પાણી ખાડી દ્વારા આસપાસના ગામોમાં ફેલાઈ જતા લોકોમાં રોષ ફેલાયો છે.નર્મદા ધારીખેડા સુગર ફેકટરી આસપાસના ગામોની ખાડીમાં આ ગંદુ પાણી ફેલાતા લોકોને ચામડીના રોગ થાય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે.તો જી.પી.સી.બી આ મામલે યોગ્ય કાર્યવાહી કરે એવી લોકોની માંગ છે.આ બાબતનો ગ્રામજનોની ફરિયાદ બાદ જી.પી.સી.બી ની ટીમોએ ધારીખેડા સુગર ફેક્ટરી પર આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું.

જી.પી.સી.બી અંકલેશ્વરની ટીમના સભ્યોએ નર્મદા ધારીખેડા સુગર ફેકટરી, નિકોલી ગામની ખાડી તથા કાંદરોજ-સિસોદરા વચ્ચેથી પસાર થઈ રહેલી નર્મદા નદીના પાણીના વિવિધ સેમ્પલ લીધા હતા.અચાનક જી.પી.સી.બી ની ટીમના ચેકીંગને પગલે નર્મદા ધારીખેડા સુગર ફેકટરીના કર્મચારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.જી.પી.સી.બીની ટિમ ખેડૂતોના હીતને ધ્યાનમાં રાખી તટસ્થ નિર્ણય કરે એવી લોકોની માંગ છે.
 આ બાબતે ટેલિફોનિક વાતમાં સુગરના એમ.ડી.નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે અમારું ગંદુ પાણી જતું નથી બાકી જી.પી.સી.બી.ની ટીમે તપાસ કરી સેમ્પલ લીધા છે જેમાં હકીકત બહાર આવશે.

(5:14 pm IST)