ગુજરાત
News of Sunday, 23rd January 2022

બીમારી ધરાવતાં વૃદ્ધો માટે ઓમિક્રોન વેરિયંટ ઘાતક છે

મોટાભાગનાંને ICU અને વેન્ટિલેટરની પડે છે જરૂર : ઓમિક્રોન વેરિયંટ અગાઉના ઈન્ફેક્શન બાદ વધેલી કે વેક્સિનેશનથી આવેલી ઈમ્યુનિટીની અસર ઓછી કરે છે

અમદાવાદ, તા.૨૩ : કોરોનાની ત્રીજી લહેરે કોમોર્બિડિટી ધરાવતાં સિનિયર સિટિઝન પર જરાય રહેમ નથી કર્યો. બીમારીઓ ધરાવતાં કોરોના સંક્રમિત થયેલા વૃદ્ધોમાં ગંભીર કોમ્પ્લિકેશન જોવા મળે છે. પરિણામે તેમને ICUમાં દાખલ કરવા પડે છે અને ઘણીવાર વેન્ટીલેટરની પણ જરૂર પડે છે તેમ શહેરના નિષ્ણાતોનું કહેવું છે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં ICUમાં દાખલ કરવા પડ્યા હોય અથવા વેન્ટીલેટર સપોર્ટની જરૂર પડી હોય તેવા દર્દીઓની સંખ્યા બે જ દિવસમાં બમણી થઈ છે. ૧૯ જાન્યુઆરીએ આવા દર્દીઓની સંખ્યા ૨૩ હતી જે ૨૧ જાન્યુઆરી સુધીમાં વધીને ૪૧ થઈ છે. સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં આવા દર્દીઓનો આંકડો શનિવાર સાંજ સુધીમાં અનુક્રમે ૨૩ અને ૪ હતો, તેમ અધિકારીઓએ જણાવ્યું.

દર્દીઓની ઓવરઓલ પ્રોફાઈલ પરથી જાણવા મળે છે કે, ૧૮ વર્ષથી ઓછા ૫% દર્દી, ૧૮થી૫૫ના વયજૂથના ૨૦% દર્દીઓ અને ૫૫થી વધુની ઉંમરના ૭૫% દર્દીઓ છે. હોસ્પિટલમાં દાખલ થનારા ૬૦% દર્દીઓને રેમડેસિવિર આપવામાં આવી હતી, તેમ અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશનના અધિકારીઓનું કહેવું છે. શનિવારે ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે કોરોનાના ૨૧,૨૨૬ કેસ નોંધાયા હતા જેમાં શનિવારે ૯ ટકા ઉછાળો આવ્યો હતો અને આંકડો ૨૩,૧૫૦ પર પહોંચ્યો હતો. રાજ્યમાં એક્ટિવ દર્દીઓમાંથી ૧૫ના મૃત્યુ થયા છે અને આ સાથે છેલ્લા ૧૧ દિવસમાં ૧૦૦ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

 દૈનિક કેસોના આંકડાનું વિશ્લેષણ કરતાં માલૂમ પડે છે કે, ૩૦% કેસો મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારો સિવાય છે અને ત્રીજી લહેર શરૂ થઈ ત્યાર પછીનો સૌથી મોટો વધારો છે.

ગુજરાત પોલીસે શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ લગ્નસ્થળો અને જાહેરસ્થળો પર ચાંપતી નજર રાખશે, જેથી કોરોનાના નિયમોનો ભંગ થાય છે કે કેમ તે જાણી શકાય.

(7:40 pm IST)