ગુજરાત
News of Monday, 24th January 2022

નાનકડા એવા તારાપુરમાં રોકડની અછત સર્જાઈ

તમામ બેંકોના ATM કેશ લેસ બન્યા : રોકડ ન હોવાથી બેંકોનાં એટી એમ બંધ રાખવામાં આવ્યા રોકડ વિના ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

આણંદ, તા.૨૩ : આજે આણંદના તારાપુરની તમામ બેંકોનાં એટીએમ કેશલેસ બન્યા છે. રોકડ ન હોવાથી બેંકોનાં એટી એમ બંધ રાખવામાં આવ્યા છે. રોકડ વિના ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તારાપુરમાં આવેલી મોટાભાગની ખાનગી તેમજ સરકારી બેંકોનાં એટીએમમાં રોકડનાં અભાવે બે દિવસથી બંધ જોવા મળ્યા હતા. ઘણી બેંકોનાં એટીએમનાં શટરો ખૂલ્યાં જ નથી અને બાકીના બેંકોના એટીએમ ખૂલ્યા છે, પણ તેમાં રોકડ ન હોવાથી નાગરિકો પોતાના રૃપિયા પણ ઉપાડી શક્તા નથી. રૃપિયાના અછતને પગલે નાણાં ન મળતાં હોવાની બૂમો ઉઠી છે.

ગ્રાહકોની સુવિધા માટે બેંકો દ્વારા મોટા ઉપાડે શરૃ કરવામાં આવેલા એટીએમ મશીનોમાં શનિ અને રવિવાર બંને દિવસો દરિમયાન રજા હોવા છતાં રોકડ મૂકવામાં ન આવતા તારાપુર શહેરનાં એટીએમ શોભાનાં ગાંઠિયા સમાન બન્યા છે. આમ, સ્થાનિક લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યાં છે.

કોઈપણ પ્રકારની આગોતરી સૂચના વિના શહેરની મોટાભાગની બેંકોનાં એટીએમ શનિવાર સવારથી જ બંધ હાલતમાં છે. એટીએમ ધારકો દરેક એટીએમ ઉપર વારાફરતી ધક્કા ખાઈ રહ્યાં છે. છતાં રોકડ ન મળતાં ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.

મહિનાનો ચોથો શનિવાર અને આજે રવિવારની બે રજાને લઇ બે દિવસ બેંકો પણ બંધ છે. સાથે જ એટીએમમાં રોકડ ન હોવાથી એટીએમ પણ બંધ હોવાથી શહેરનાં તમામ એટીએમ શોભાના ગાંઠિયા બન્યા છે. કેન્દ્ર સરકાર એક તરફ કેશલેસ સુવિધાને પ્રોત્સાહન આપતી જોવા મળે છે, ત્યારે તારાપુર શહેરનાં મોટાભાગની તમામ બેંકોનાં એટીએમ આજે સવારથી જ કેશ લેસ બન્યા છે. તારાપુરની સરકારી તેમજ ખાનગી બેંકોની ગ્રાહકલક્ષી સેવાઓ પર સવાલો ઉભા થયા છે.

(9:25 pm IST)