ગુજરાત
News of Sunday, 23rd January 2022

સરકારમાંથી હટાવાયા બાદ પૂર્વ મંત્રી નીતિનભાઈ પટેલ સરકારની નિષ્ફ્ળતા ઉજાગર કરી રહ્યાં છે :કોંગ્રેસનો આક્ષેપ

વિદેશમાં જવા લોકો મજબુર બને છે તે વાસ્તવિકતાનો સ્વીકાર એ જ ભાજપ સરકારની નિષ્ફળતા : ડો. મનીષ દોશી

અમદાવાદ :રાજ્યના અને દેશના યુવાનોને મહેનત કરવા છતાં અહીંયા એટલે કે ગુજરાત કે દેશમાં યોગ્ય તક/સ્થાન ન મળતું હોવાના કારણે લોકો જીવના જોખમે વિદેશમાં જાય છે તેવા પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ  પટેલના નિવદેન અંગે આકરી પ્રતિક્રિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનિષ દોશીએ આપી છે. તેમણે જણાવ્યું હતુ કે, રાજ્યના પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ  પટેલનું આ નિવદેન જ રાજ્યમાં સૌથી વધુ રોજગારી આપવાના દાવાનો પર્દાફાશ કરે છે.

રાજ્યમાં અને દેશમાં રોજગારી ન મળતી હોવાથી વિદેશમાં જવા લોકો મજબુર બને છે તે વાસ્તવિકતાનો સ્વીકાર એ જ ભાજપ સરકારની નિષ્ફળતા અને બેરોજગારોને રોજગારી આપવાના દાવાઓ પોકળ સાબિત થાય છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દેશના યુવાનોને રોજગારી પુરી પાડી શકતી નથી તેમજ દેશમાં હાલમાં બેરોજગારીનો સૌથી ઉંચો દર હોવાથી લોકો રોજગારી માટે જીવના જોખમે વિદેશમાં જાય છે.

રાજ્યમાં નીતિનભાઈના નાયબ મુખ્યમંત્રીના કાર્યકાળમાં સૌથી વધુ આરોગ્ય વિભાગના તાબા હેઠળની કચેરીઓમાં કોન્ટ્રાકટ પધ્ધતિ, ફીકસ પગાર, આઉટ સોર્સીંગથી ભરતીઓ થતી હતી ત્યારે નીતિનભાઈ  પટેલને આત્મજ્ઞાન ન સુજ્યું હવે જ્યારે નીતિનભાઈને સરકારમાંથી હટાવાયા ત્યારે યુવાનો/લોકોની સહાનુભૂતિ મેળવવા માટે સરકારની પોલ ખોલી રહ્યા છે અને વડાપ્રધાન સામે આડકતરી રીતે આક્ષેપો કરી રહ્યા છે.

ડો. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં ખાનગી શાળા-કોલેજોમાં લાખો રૂપિયાની ફી ભરીને ડીગ્રીઓ મેળવવા છતાં યુવાનોને સારી પોઝીશન મળતી નથી તે વાસ્તવિકતાનો સ્વીકાર આજે થયો છે. ત્યારે આવા યુવાનો રાજ્યમાં સરકારી નોકરી મેળવવા પરીક્ષાઓ આપે ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓના પેપર ફુટી જતાં હજારો યુવાનોના સપનાઓ ચકનાચૂર થઈ જાય છે અને આવા યુવાનો હતાશામાં ધકેલાઈ જાય છે, ત્યારે આવા યુવાનોને રોજગારી માટે રાજ્ય-દેશ છોડીને વિદેશમાં આશરો લેવાની ફરજ પડે છે. ત્યારે પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ  પટેલે એ વાસ્તવિકતાનો સ્વીકાર પણ કરવો જોઈએ કે રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં સરકાર અને સંગઠનના મળતિયાઓ કે લાખો રૂપિયા લઈને જ ગોઠવણો થાય છે અને હકીકતે મહેનત કરતા બેરોજગાર યુવાનો તો જોતા જ રહી જાય છે.

પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ વાયબ્રન્ટ ગુજરાતના કારણે રાજ્યમાં ઉદ્યોગો દ્વારા કરોડો રૂપિયાનું મુડીરોકાણ થાય છે અને રોજગારી આપવામાં નંબર વન હોવાના દાવાઓ પોકળ સાબિત કરે છે, મહેનત કર્યા પછી યુવાનોને રોજગારી માટે લાખો રૂપિયા ખર્ચીને વિદેશમાં જવું ન પડે અને સ્થાનિક નોકરી, ધંધા, વ્યવસાય, રોજગારીની તક ઉભી થાય, સ્થાન મળે તે માટે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

કેનેડામાં કલોલના પરીવાર સાથે બનેલ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર નાગરીકો પ્રત્યે અને તેઓના પરીવારજનો પ્રત્યે કોંગ્રેસ પક્ષ સહાનુભૂતિ દર્શાવે છે, આવી ઘટના રાજ્ય કે દેશના કોઈ નાગરીકો સાથે ન બને તેવી પ્રાર્થના કરે છે.

(9:44 pm IST)