ગુજરાત
News of Sunday, 23rd January 2022

અમદાવાદ મ્યુનિ.એ રાતોરાત 1100 જેટલો મેડિકલ સ્ટાફ છૂટો કરી દેતા લોકોને હાલાકી

મ્યૂનિ.ની લાપરવાહીનો ભોગ કોરોના દર્દી બન્યા: લાંબી લાઈનોમાં દવા લેવા માટે ઉભા રહેવાની મજબુર

અમદાવાદ મ્યુનિ.એ રાતોરાત 1100 જેટલો મેડિકલ સ્ટાફ છૂટો કરી દેતા સામાન્ય નાગરિક અને કોરોનાના દર્દીઓ તેનો ભોગ બની રહ્યા છે.હાલ સ્થિતિ એવી ઉદ્દભવી છે કે, કોરોના પેશન્ટને જાતે દવા લેવા જુદા જુદા અર્બન હેલ્થ સેન્ટર પર લાઇનમાં ઊભા રહેવું પડે છે.

RT-PCR પોઝિટિવ આવ્યા બાદ પેશન્ટને કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા કે, અર્બન હેલ્થ સેન્ટર પરથી ફોન કરી જાણ કરવામાં આવે છે કે, તમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, અહીં આવીને દવા લઈ જાઓ. આથી કેટલાક કોરોના પેશન્ટને પણ અન્ય કોઈની મદદ લીધા વિના લાઇનમાં શહેરના વિવિધ અર્બન હેલ્થ સેન્ટર પર દવા લેવા માટે ઊભા રહે છે, જ્યાં કેટલાક પોઝિટિવ દર્દીઓના પરિવારજનો પણ દવા લેવા આવતા હોય છે તો કેટલાક વેક્સિન લેવા આવે છે. આથી સંક્રમણ આ બેદરકારીથી પણ વધુ વધી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના પેશન્ટ મેમનગરના અર્બન હેલ્થ સેન્ટરમાં જોવા મળ્યા હતા. કોર્પોરેશનના હેલ્થ વિભાગની બેદરકારીના કારણે સ્ટાફ્ની અછત સર્જાઈ છે. જેથી કોઈ મેડિકલ કે પેરામેડિકલ સ્ટાફ્ ઘરે પોઝિટિવ પેશન્ટને દવા આપવા માટે પહોંચી રહ્યું નથી. આથી કેટલાક પેશન્ટ બેદરકારી દાખવી એએમટીએસ બસ કે રિક્ષામાં પણ આવી શકે છે.

કોર્પોરેશન હેલ્થ વિભાગને આ બાબતનું જાણે બિલકુલ ધ્યાન જ નથી તેમ આંખ આડા કાન કરે છે. એક બાજુ સંક્રમણ રોકવા સરકાર તરફ્થી જરૂરી નિયમો લાદવામાં આવી રહ્યા છે, ત્યારે કોર્પોરેશનના હેલ્થ વિભાગનું મેનેજમેન્ટ ખાડે ગયું છે. આ પહેલા કોન્ટ્રાક્ટ પર 1,100નો મેડિકલ અને પેરામેડિકલનો સ્ટાફ્ હતો જેમને છૂટા કરી દેવામાં આવ્યા છે.

આથી આ પરિસ્થિતિ નિર્માણ પામી છે અને હવે આઉટ સોર્સિગ થકી 250 જેટલા પેરા મેડિકલ સ્ટાફ્ને લેવાની વાત ચાલી રહી છે ત્યારે આ પદ્ધતિથી પોતાનો જીવ જોખમમાં મૂકી મોટાભાગના આવવા તૈયાર નથી. આ બાબતમાં મેડિકલ ઓફ્સિરનો સંપર્ક કરતા રજાઓમાં જાણે મજા માણી રહ્યા હોય તેમ ફેન ઉઠાવવાની કે આ બેદરકારી બદલ પ્રત્યુતર આપવાની તસ્દી લીધી નહોતી.

(12:00 am IST)