ગુજરાત
News of Monday, 24th January 2022

આતંક મચાવવા આવી રહ્યા છે કોરોનાના નવા ૨ વેરિયન્ટઃ ગુજરાતમાં પણ થઈ તેની એન્ટ્રી

ઓમિક્રોનના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે

નવી દિલ્હી, તા.૨૪: કોરોનાનો કહેર મોત બનીને વરસી રહ્યો છે. આ વચ્ચે કોરોનાના નવા વેરિયન્ટે તબીબોને પણ ચોંકવા મજબૂર કર્યાં છે. કોરોનાના અત્યંત જોખમી ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાંથી મ્યુટેટ થયેલા ઓમિક્રોન વાઈરસ હવે તબાહી મચાવવા આવી રહ્યો છે. ઓમિક્રોનના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં છેલ્લા ૨૩ દિવસમાં કુલ ૧૧૯ સેમ્પલના જીનોમ્સની તપાસ થઈ હતી. જેમાં સૌથી વધુ ૫૪ ઓમિક્રોન જોવા મળ્યા હતા. જયારે ૯૫ કેસમાં ઓમિક્રોન સહિત તેના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટ જોવા મળ્યા હતાં.

ઓમિક્રોન સબ લિનિયેજ વેરિયન્ટ BA.2ના ૩૮  અને પેરન્ટ લિનિયેજ વેરિયન્ટના ત્રણ કેસ સામે આવ્યા હતા. આમ ઓમિક્રોનના નવા વેરિયન્ટના ૪૧ પરિણામો સામે આવ્યા હતા. ત્યારે આ કેટલો જોખમી છે તે બાબતે વિશ્વના સંશોધકો તપાસ કરી રહ્યાં છે. અઠવાડિયા બાદ તેના જોખમ વિશેનો ખ્યાલ આવી શકશે. રાજયના વધુ એક સંશોધકે કહ્યું છે કે WHO એ હજૂ BA.2ના વેરિયન્ટ ઓફ કન્સર્ન ડિકલેર કર્યો નથી. જોકે UK હેલ્થ સિકયુરિટી એજન્સીએ BA.2 વેરિયન્ટ વધુ ઝડપે ફેલાતો હોવાથી તકેદારી રાખવા કહ્યું છે.

હાલ તબીબો મૂંઝવણમા છે કે હાલ આ નવા પેરન્ટ લિનિયેજ વેરિયન્ટને જોખમી ગણવુ કે નહિ. ઓમિક્રોન વાયરલ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસની સરખામણીમાં ઓછો દ્યાતક અને જોખમી છે. આવામાં પેરન્ટ વેરિયન્ટ કેવો કહેર મચાવશે તે તો આગામી સમય જ બતાવશે.

(11:08 am IST)