ગુજરાત
News of Monday, 24th January 2022

ચણા, તુવેર, રાયડાનાં 'ટેકા' માટે ૧ ફેબ્રુઆરીથી નોંધણી

તુવેરની ખરીદી ૧૫ ફેબ્રુઆરીથી, ચણા અને રાયડાની ખરીદી ૧ માર્ચથી : ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી કહે છે ગ્રામ્ય કક્ષાએ વીસીઇ મારફત ખેડૂતોની ઓનલાઇન નોંધણી થશે ચણાના મણના રૂ. ૧૦૪૬, રાયડાના ૧૦૧૦ અને તુવેરના ૧૨૬૦ અપાશે : ખેડૂત દિઠ કઇ વસ્તુ મહતમ કેટલી ખરીદવી ? તેનો નિર્ણય સરકારની સુચના મુજબ થશે

રાજકોટ,તા. ૨૪ : રાજ્ય સરકાર દ્વારા રવિ પાક ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવ ખરીદી માટે જાણીતી સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.-ઓપેરટીવ ફેડરેશન લિ. (ગુજકોમાસોલ)ને જવાબદારી સુપ્રત કરાયેલ છે. તેના દ્વારા ઓનલાઇન નોંધણી અને વ્યવસ્થા મુજબ ખરીદી થશે.

ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ 'અકિલા'ને જણાવેલ કે રાજ્ય સરકારે નક્કી કરેલ કાર્યક્રમ મુજબ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી માટે તા. ૧ ફેબ્રુઆરીથી તથા ચણા અને રાયડાની ખરીદી ૧ માર્ચથી શરૂ થશે. ઓનલાઇન નોંધણી ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઇ મારફત થશે. સરકારે નિયત કરેલ ટેકાના ભાવે ખરીદી થશે. તે મુજબ ચણા મણનો ભાવ રૂ. ૧૦૪૬, રાયડાના રૂ. ૧૦૧૦ અને તુવેરના રૂ. ૧૨૬૦ રહેશે.

શ્રી દિલીપ સંઘાણીએ ખેત ઉપજની ખરીદીના પ્રમાણ અંગેના સવાલના જવાબમાં જણાવેલ કે ખેડૂત દિઠ કઇ ખેત ઉપજની મહતમ કેટલી ખરીદી કરવી તે સરકારની સુચના  મુજબ નક્કી થશે.

(12:50 pm IST)