ગુજરાત
News of Monday, 24th January 2022

આરટીઓના સર્વરમાં ઘુસી કોઈ જાતના ટેસ્ટ વગર ૧૦ પાકા લાઈસન્સ બનાવી લેવાના ષડયંત્રનો પર્દાફાશ

આરટીઓ એજન્ટ સહિત ૪ સામે ગુન્હા દાખલ, લાઈસન્સ મેળવનારની ભૂમિકા ખલશે તેમની સામે પણ વિશેષ પગલાંઓ લેવાશે, પોલીસ કમિશ્નર : સુરત શહેરમાં ખળભળાતી ઘટના, સીપી અજયકુમાર તોમર, એડી.પોલીસ કમિશ્રર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર. સરવૈયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર યુવરાજસિંહ ગોહિલ ટીમે વધુ એક વખત ટેકનિકલ માસ્ટરી દેખાડી

રાજકોટ, તા.૨૪:  સાયબર માફીયાઓ દ્વારા અનેક વખત બેન્કિંગ ફ્રોડ ,ATM ફ્રોડ સહિતની ઘટનાઓ બનતી હોય છે તેમાં સુરતમાં એક અજીબ ઘટના બની છે, આર.ટી. ઓ.ના સર્વરમાં ઘૂસી કોઇ જાતના ટેસ્ટ વગર દશ લોકોના લાયસન્સ બની ગયા હોવાની બાબત સુરતના જાગૃત પોલીસ કમિશનર અજયકુમાર તોમરના ધ્યાને આવતા જ સમગ્ર બાબતની ગંભીરતા સમજી ક્રાઇમ બ્રાન્ચના એડી.સીપી શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને અને એસીપી આર.આર.સરવૈયા સાથે ચર્ચા કરી આ ટેકનિકલ બાબત હોવાથી આવી ટેકનિકલ માસ્ટરી ધરાવતા મદદનીશ પોલીસ કમિશનર યુવરાજસિંહ ગોહિલને આર.ટી.ઓ સાથે સંકળાયેલ શખ્શો સાથે કુલ ૪ લોકોને તાત્કાલિક ઝડપી લીધા છે, ઉકત મામલે તપાસ દરમિયાન જે દશ લોકો દ્વારા ખોટા લાઈસન્સ લેવાયા છે તેમની પણ ભૂમિકા હોવાનું ખુલશે તો તેમની સામે પણ ગુન્હા દાખલ કરવામાં આવશે તેમ પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા જણાવાયું છે, સમગ્ર મામલાની હકીકત આ મુજબ છે.

ક્રાઈમ પો.સ્ટે. ગુ.ર.નં.-૧૧૨૧૦૦૬૨૨૨૦૦૦૭ ઈ.પી.કો. કલમ- ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦ (બી) તથા આઈ.ટી. એકટ કલમ- ૬૬, ૬૬ (ડી) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી ગઈ તા.૨૪/૦૬/૨૦૨૦, તા.૨૭/૦૧/૨૦૨૧  તથા તા.૨૭/૦૭/૨૦૨૧ના રોજ કુલ-૧૦ ઉમેદવારોના પાકા લાયસન્સ મેળવવા માટે આર.ટી.ઓ. કચેરીની જરૂરી એવી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કર્યા વિના, ટેસ્ટ આપવા માટે જરૂરી એવા વાહનની વિગત તે વાહનનો રજીસ્ટ્રેશન નંબર, ચાર તબકકાના વિડીયો જેવી કોઈ બાબત ઓટોમેટેડ ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકના સર્વર ઉપર ટેસ્ટ આપ્યા વગર સુરત આર.ટી.ઓ. કચેરીની કોમ્પ્યુટર સીસ્ટમમાં આર.ટી.ઓ. કચેરીની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી સીસ્ટમ સાથે ચેડા કરી બારોબાર લાયસન્સ શાખા (સારથી શાખા)માં ઉમેદવાર પાસ થયા અંગેનો ડેટા પુશ કરી ગેરકાયદેસર રીતે સરકારશ્રીની આર.ટી.ઓ. કચેરી દ્વારા આપવામાં આવતા લાયસન્સ બનાવવાની કાર્યવાહી કરાવી ગુન્હો આચરેલ હોય સદર ગુન્હાની ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી (૧) નિલેષકુમાર ત્રીભોવનદાસ મેવાડા (ઉ.વ.૩૬ ધંધો- નોકરી રહે. એફ/૨૦૩, નક્ષત્ર સોલીટર, પાલનપુર કેનાલ રોડ, અડાજણ, સુરત મુળ રહે.૯૭, ભીમનગર સોસાયટી, દેથળી રોડ, સીધ્ધપુર જી.પાટણ (૨) સાહીલ શાહનવાઝ વઢવાણીયા ઉ.વ.૨૮ ધંધો- આર.ટી.ઓ એજન્ટ રહે. બી/૧૧, ફલેટ નં.૪૦૪, એલ.બી.પાર્ક સોસાયટી, પાંજરાપોળની સામે, ઘોડદોડ રોડ, સુરત, (૩) ઈન્દ્રસિંહ ખુમાનસિંહ ડોડીયા (ઉ.વ.૩૭) ધંધો- આર.ટી.ઓ. એજન્ટ રહે. રૂમ નં.૦૦૧, બ્લોક નં.બી/૧૧, સમૃધ્ધી બિલ્ડીંગ, સિધ્ધાર્થ કોમ્પલેક્ષ, સીટીલાઈટ રોડ, સુરત મુળ રહે. ગામ- લોલીયા તા. ધોળકા જી. અમદાવાદ (૪) જશ S/O મેહુલ પંચાલ ઉ.વ.૨૩ ધંધો- આર.ટી.ઓ. એજન્ટ રહે. ફલેટ નં.એ / ૧૦૪, રાજહંસ એપલ, કેનાલ રોડ, કટારીયા શો રૂમ પાસે, પાલનપુર ગામ, સુરત મુળ રહે. ગામ- ભાડું તા.જી. મહેસાણા નાઓનો કોરાના વાયરસ અંગેનો રિપોર્ટ કરાવતા આરોપી (૧) નિલેષકુમાર ત્રીભોવનદાસ મેવાડાનાઓની કોરોના વાયરસ અંગેનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. બાકીના ત્રણ આરોપીઓનો કોરોના વાયરસ અંગેનો રીપોર્ટ નેગેટીવ આવતા તેઓને અટક કરવામાં આવેલ છે. લાયસન્સ ધારકોની હાલમાં પુછપરછ ચાલુ છે.

(3:33 pm IST)