ગુજરાત
News of Monday, 24th January 2022

૧૫ થી ૧૮ વર્ષના છાત્રોનું રસીકરણ થયુ : મહારાષ્‍ટ્રમાં શાળા ખુલી રહી છે ત્‍યારે

ધો.૧ થી ૯ની શાળા ફેબ્રુઆરીથી ખોલવા સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળની માંગણી

રાજકોટ, તા. ૨૪ : ૧૫ થી ૧૮ વર્ષના બાળકોનું રસીકરણ અને મહારાષ્‍ટ્રમાં શાળાઓ ખુલી રહી હોય હવે ગુજરાતમાં પણ શાળા ખોલવાની માંગણી ગુજરાત સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સરકાર પાસે માંગ કરી છે.
ગુજરાત સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળની યાદીમાં જણાવાયુ છે કે જાન્‍યુઆરીના પ્રથમ સપ્તાહમાં આગમચેતીના ભાગરૂપે રાજય સરકારશ્રી દ્વારા શાળાઓમાં પ્રત્‍યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્‍યું હતું. પરંતુ હાલમાં ત્રીજી લહેર અંતર્ગત પરિસ્‍થિતિ કાબુમાં છે, બીજી લહેર જેવો કોઇ અંધાધૂંધીનો માહોલ નથી, વર્તમાન જનજીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે, સૌથી વધારે કેઇસ જે રાજયમાં હતા તે મહારાષ્‍ટ્ર સરકાર પણ જાન્‍યુઆરી ૨૪ થી શાળાઓ શરુ કરે છે, તો ગુજરાત જેવા રાજયમાં જયાં કોઇ ગંભીર પરિસ્‍થિતિ નથી ત્‍યાં શાળાઓ શરુ કરવી જોઇએ તેવું ગુજરાત સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળના સભ્‍યોનું માનવું છે. આ માટે મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રીશ્રીને પણ અપીલ કરવામાં આવનાર છે.
રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી. વી. મહેતાએ જણાવ્‍યું હતું કે રાજય સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષના તરુણોને કોરોના વિરોધી રસી આપવાની કામગીરી ચાલી રહી છે.  જેમા મોટાભાગની શાળાઓમાં પાત્રતા ધરાવતા છાત્રોનું ૯૪% જેવું રસીકરણ થઈ ગયું છે. ત્‍યારે વિદ્યાર્થીઓ ઉપર ગંભીર ખતરો ટળ્‍યો છે.
ગુજરાત શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા આ બાબતે તેમનો પ્રતિભાવ આપતા જણાવ્‍યું હતું કે સૌથી વધારે કેઇસ જે રાજયમાં હતા તે મહારાષ્‍ટ્ર સરકાર પણ જાન્‍યુઆરી ૨૪ થી શાળાઓ શરૂ કરે છે, તો ગુજરાત જેવા રાજયમાં જયાં કોઇ ગંભીર પરિસ્‍થિતિ નથી ત્‍યાં શાળાઓ શરુ કરવી જોઇએ તેવું ગુજરાતના સૌ સ્‍વનિર્ભર શાળા સંચાલકોનું માનવું છે. આ અંગે અમે શિક્ષણ મંત્રીશ્રીને પણ દરેક શાળાઓને કોવિડ ગાઇડ લાઇનની તમામ તકેદારી સાથે ફરી ધોરણ ૧ થી ૯નું પ્રત્‍યક્ષ શિક્ષણ તા. ૧ ફેબ્રુઆરીથી શરુ કરવાની મંજુરી આપે, તે માટે પત્ર દ્વારા અપીલ કરવામાં આવનાર છે.
ગુજરાત સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળની કોર કમિટીના સભ્‍યોમાં મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, સવજીભાઇ પટેલ, એમ. પી. ચંદ્રન, ઉત્‍પલભાઇ શાહ, પ્રવકતા ડો. દિપકભાઇ રાજયગુરુ,  અને સંયોજક મન્‍હરભાઇ રાઠોડ, રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી.વી મહેતા, ઉપપ્રમુખ શ્રી અવધેશભાઈ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરિયા, મહામંત્રી પરિમલભાઈ પરડવા, મહામંત્રી પુષ્‍કરભાઈ રાવલ, સૌરાષ્‍ટ્ર ઝોન કન્‍વીનર જયદીપભાઇ જલુ અને મેહુલભાઈ પરડવા દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી આ બાબતે અપીલ કરવામાં આવશે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્‍યું છે.


 

(3:56 pm IST)