ગુજરાત
News of Monday, 24th January 2022

અમદાવાદમાં દિકરીના લગ્ન પ્રસંગ માટે બનાવવા આપેલા દાગીના સહિત અનેક લોકોના સોનાના દાગીના લઇને નાસી છૂટેલ ગોપાલ લાલચંદાની ઝડપાયોઃ મુદ્દામાલ રિક્‍વર ન કરતા મધ્‍યમ વર્ગના લોકોના જીવ તાળવે ચોંટયા

12 જેટલા લોકોના દાગીના ક્‍યારે પરત મળશે તે સવાલ

અમદાવાદ: અમદાવાદનો એક સોની વેપારી અનેક લોકોના દાગીના લઈ રફુચક્કર થઈ ગયો. ભોગ બનનાર જ્યારે દુકાને ગયા ત્યારે દુકાન અનેક દિવસો સુધી બંધ દેખાતા તેઓને મામલાની જાણ થઈ. બાદમાં તપાસ કરી તો માત્ર એક વ્યક્તિ નહિ પણ 12થી વધુ લોકોના દાગીના આ સોની લઈ ફરાર થઇ ગયો. આખરે પોલીસે ફરીયાદ નોંધી 12 લોકોના 12.59 લાખના દાગીના લઈ દુકાન બંધ કરી ભાગેલા સોનીને પકડી તો પાડ્યો પણ મુદ્દામાલ પોલીસે રિકવર ન કરતા મધ્યમ વર્ગના લોકોનો જીવ તાળવે ચોટયો છે.

આરોપી ગોપાલ લાલચંદાની જે સોની વેપારી અને સાથે સાથે ઠગાઈનો પણ ધંધો કરતો હતો. જેની પર આરોપ છે કે તેણે લોકોના દાગીના બનાવવા માટે લીધેલા દાગીના પરત આપ્યા નથી. આશરે બારેક લોકો કે જે મધ્યમ વર્ગના લોકો છે તેમના ઘરે પ્રસંગ હતો અને તેમના દાગીના બનાવવા માટે લઈ આરોપી દુકાનને તાળા મારી ફરાર થઇ ગયો હતો.

એરપોર્ટ પોલીસે 12 લાખની ઠગાઈની ફરિયાદ તો નોંધી પણ મધ્યમ વર્ગના લોકો સાથે મુદ્દામાલ પરત ન મેળવી અન્યાય પણ કર્યો છે. આરોપી સામે ફરિયાદ નોંધાવનાર વ્યક્તિએ દીકરીના લગ્ન લીધા હતા અને તે નાતે જુના દગીનમાંથી નવા દાગીના બનાવડાવી તેઓ પ્રસંગ કરવાના હતા. પણ આરોપીએ એકતરફ ફુલેકુ ફેરવ્યું ત્યાં હવે પોલીસે મુદ્દામાલ પણ રિકવર ન કરતા ફરિયાદીને પ્રસંગ કેમનો કરવો તે એક સમસ્યા છે.

સાથે જ કેટલાય એવા લોકો છે જેઓએ જુના દાગીના રીપેરીંગ માટે આપ્યા હતા તે દાગીના આરોપીએ પોતે રાખી લઈ કોઈને પરત કર્યા નથી. આશરે બારેક લોકો આરોપીની દુકાને ભેગા થયા અને આ કૌભાંડ સામે આવ્યું. જેથી પોલીસને જાણ થઈ અને પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. પણ હવે આ મધ્યમ વર્ગના લોકોની મિલકતનું શુ? તે સવાલ સહુ કોઈના મનમાં થઈ રહ્યો છે. સામાન્ય ચોરને પકડી ગણતરીના સમયમાં મુદ્દામાલ રિકવર કરતી પોલીસે લાખો રૂપિયાનું સોનુ ભાળી લાલચમાં આવી ગઈ અને મુદ્દામાલ રિકવર ન કર્યો હોવાની ચર્ચા છે. ત્યારે હવે પોલીસ પોતાનું પેટ ભરશે કે મધ્યમ વર્ગના લોકોને ન્યાય અપાવશે તે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.

(4:13 pm IST)