ગુજરાત
News of Monday, 24th January 2022

દીકરાઓના જન્મ, શિક્ષણ અને સલામતી માટે દિકરીઓ પ્રત્યેની સંકુચિત જાતિગત માનસિકતામાં બદલાવ લાવી એક સ્વસ્થ અને સમાન રાષ્ટ્રની રચનામાં ભાગીદાર બનીએ : રાજ્યમાં ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ દર ૧૦૦૦ દીકરાઓએ દીકરીઓની સંખ્યા ૮૯૦ હતી,જે વર્ષ ૨૦૧૯-૨૦માં નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-૫ મુજબ વધીને ૯૫૫ થઈ : કચ્છ જીલ્લા દ્વારા ગ્રામ્યકક્ષાએ બાલિકા પંચાયતની રચનાનો નવતર પ્રયોગઃ જેમાં સરપંચથી લઈને ગ્રામ પંચાયતના વોર્ડ મુજબ તમામ સભ્યોમાં બાલિકાઓ પ્રતિનિધિત્વ ધરાવે છે : મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી મનીષા વકીલ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “રાષ્ટ્રીય બાલિકા દિવસ”ની ઉજવણી અંતર્ગત દિકરીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરી પ્રતિજ્ઞા વાંચન કરતા મહિલા બાળ કલ્યાણ વિભાગનો સ્વતંત્ર્ય હવાલો ધરાવતા રાજય મંત્રી

રાજકોટ તા.૨૪ : મહિલા બાળ કલ્યાણ વિભાગનો સ્વતંત્ર્ય હવાલો ધરાવતા રાજય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે જણાવ્યું છે કે, સશકત સમાજના નિર્માણ માટે મહિલા બાળ જાતિદરને પ્રોત્સાહન આપવુ અત્યંત અનિવાર્ય હોઈ, સમાજના સૌ નાગરિકો આ માટે સંકલ્પબધ્ધ બને એ આજના સમયની તાતી જરૂરિયાત છે. તેમણે દીકરાઓના જન્મ, શિક્ષણ અને સલામતી માટે દિકરીઓ પ્રત્યેની સંકુચિત જાતિગત માનસિકતામાં બદલાવ લાવી એક સ્વસ્થ અને સમાન રાષ્ટ્ર ની રચનામાં ભાગીદાર બનવા પણ આહવાન કર્યુ છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “રાષ્ટ્રીય બાલિકા દિવસ”ની ઉજવણી નિમિત્તે યોજાયેલ રાજયકક્ષાના સમારોહમાં વર્ચ્યુઅલ સહભાગી બનીને દિકરીઓ સાથે સંવાદ કરતા મંત્રી શ્રીમતી વકીલે જણાવ્યુ હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન શરૂ કરીને દેશને નવો રાહ ચીધ્યો હતો અને આજે દેશભરમાં આ અભિયાન ચાલી રહ્યુ છે જે આપણા માટે ગૌરવરૂપ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાનને વધુ વેગવાન બનાવીને દિકરીઓના જન્મ માટે જનજાગૃતિ કેળવવા સંનિષ્ઠ પ્રયાસો રાજય સરકાર કરી રહી છે ત્યારે રાજયના નાગરિકો પણ સહભાગી બનીને સક્રિય યોગદાન આપે એ જરૂરી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે,આ અભિયાનનો મુખ્ય હેતુ દિકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓમાં માધ્યમિક શિક્ષણનું પ્રમાણ વધે તે સુનિશ્ચિત કરવાનું તથા દીકરીઓની સુરક્ષા અને સલામતીનો છે. દીકરીઓના જન્મને પ્રોત્સાહન માટે શરૂ કરાયેલ આ અભિયાન અંતર્ગત જન સમુદાયમાં જાગૃતી ફેલાવવા રાજ્ય તથા જિલ્લા/તાલુકા કક્ષાએ  વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. જેના પરિણામે રાજ્યમાં ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ દર ૧૦૦૦ દીકરાઓએ દીકરીઓની સંખ્યા ૮૯૦ હતી, જે હવે વર્ષ ૨૦૧૯-૨૦માં નેશનલ ફેમીલી હેલ્થ સર્વે NFHS – ૫ મુજબ વધીને ૯૫૫ થયો છે એ આપણા માટે ગૌરવરૂપ છે.

તેમણે ઉમેર્યુ કે, આ દિશામાં યશસ્વી પગલાં સ્વરૂપે રાજય સરકાર દ્વારા વહાલી દિકરી યોજના વર્ષ ૨ ઓગસ્ટ ૨૦૧૯ થી અમલમાં મૂકી છે એટલુજ નહી જીવનના પહેલા ૧૦૦૦ દિવસ દરેક બાળકો માટે ખૂબ જ અગત્યના હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સગર્ભા અને ધાત્રી માતાઓને આયુર્વેદિક ઔષધિયુક્ત " માતૃ શક્તિ પ્લસ” ટી.એચ. આર.નું વિતરણ આ શરૂ કરવામાં આવ્યુ છે. રાજયના તમામ બાળકો સુપોષિત હોય અને તેમનો સંપુર્ણ વિકાસ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઔષધિયુક્ત ૩ થી ૫ વર્ષના બાળકો માટે “બાલ શક્તિ પ્લસ એચ.આર".ની શરૂઆત કરવામા આવી છે.  

મંત્રીશ્રીએ કહ્યુ કે, કચ્છ જીલ્લા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરીને ગ્રામ્યકક્ષાએ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે આ બાલિકા પંચાયતએ કિશોરીઓનું એક મંડળ છે,  જેમાં સરપંચથી લઈને ગ્રામ પંચાયતના વોર્ડ મુજબ તમામ સભ્યોમાં બાલિકાઓ પ્રતિનિધિત્વ ધરાવે છે, આ મંડળ દ્વારા ગામમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, રમત-ગમત જેવા વિવિધ મુદ્દાઓ પર કાર્ય કરી દરેક ક્ષેત્રે કિશોરીઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી મુજબ બાલિકા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંત્રી શ્રીમતી વકીલે કચ્છ જિલ્લાની બાલિકા પંચાયત ની સરપંચ દિકરીઓ સાથે સંવાદ કરીને વડાપ્રધાનશ્રી દ્વારા બાલિકાઓના લગ્નની ઉમર જે ૧૮ વર્ષથી ૨૧ વર્ષ કરવામાં આવી છે એ સંદર્ભે અભિપ્રાય માંગતા બાલિકાઓએ આ નિર્ણયની આવકાર્યો હતો અને આ નિર્ણયથી દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે અને આર્થિક રીતે વધુ પગભર બનશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

મહિલા અને બાળવિકાસ વિભાગના સચિવ –વ- કમિશ્નરશ્રી કે.કે.નિરાલાએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યુ હતું કે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દિકરી જન્મ તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળ લગ્ન નાબૂદ કરવા, દિકરીઓના કાનૂની અધિકારો, પોષણ અને તબીબી સંભાળ, સંરક્ષણ અને સન્માન સુનિશ્ચિત કરવા તેમજ તે પરત્વે જાગૃતિ લાવવા વર્ષ ૨૦૦૮ થી તા.૨૪ મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના રાષ્ટ્રીય દીકરી દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઉજવણી કરી સમાજના લોકોમાં દીકરીઓની ધટતી જતી સંખ્યા અને બાળ જાતિ દરને પ્રોત્સાહન આપવા જુદા જુદા કાર્યક્રમોનુ આયોજન કરી સમાજના નાગરિકોમાં દીકરીઓ પ્રત્યેની સંકુચિત માનસિકતામાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરવામા આવે છે. સરકારની સાથે જનભાગીદારી પણ અનિવાર્યછે તેમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે ઉમેર્યુ કે, રાજય સરકારના તમામ વિભાગોની મહિલાલક્ષી યોજનાઓ જે અમલમા છે એ સંદર્ભે આપ સૌ પણ સક્રિય યોગદાન આપો એ જરૂરી છે. આજે મીડિયાનો રોલ પણ મહિલા બાળ જન્મદર માટે અત્યંત મહત્વનો છે અને મીડિયા પણ સકારાત્મક ભૂમિકા દ્વારા જે પ્રયાસો થઈ રહ્યા છે એ સરાહનીય છે તેમણે કહ્યુ કે, જન પ્રતિનિધીઓ દ્વારા સંસદ અને વિધાનસભામા પણ મહિલાઓના સશકિતકરણ માટે સતત ચિતા કરીને પ્રાધાન્ય આપવામા આવી રહ્યુ છે ત્યારે દિકરીઓ શિક્ષણના માધ્યમથી આગળ વધે એ આજના સમયની તાતી જરૂરિયાત છે.

રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ૧૦ દિકરીઓ મળી કુલ ૩૬૦ જેટલી દિકરીઓ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના અધિકારીશ્રી અને કર્મચારીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી બનીને પરિસંવાદ કર્યો હતો. જેમાં જિલ્લાની દિકરીઓ દ્વારા મંત્રીશ્રીને પોતાની શૈક્ષણિક કારર્કિદી અને ઉચ્ચ અભ્યાસ બાબતે, રાજકારણ બાબતે, વિદેશ અભ્યાસ બાબતે, કોરોનાની રસી લેવા બાબતે તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજના જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો યોજના, વહાલી દિકરી યોજના, નારી સંરક્ષણ ગૃહ/કેંદ્ર, સ્વધાર ગૃહ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બૈઝ્ડ સપોર્ટ સેન્ટર, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, મહિલાલક્ષી કાયદા, દિકરીઓની સલામતી અને સુરક્ષા, દિકરીઓમા આરોગ્ય અને પોષણ તથા આંગણવાડી કેંદ્ર ખાતે ઉપલબ્ધ સેવાઓમા ટેક હોમ રાશન (THR), આયર્ન ફોલિક એસીડની ગોળીઓ તથા ૧૨ થી ૧૮ વર્ષની દિકરીઓમા અને સગર્ભા સ્ત્રીઓમાં કુપોષણ ઘટે તે માટે ખાસ પ્રશ્નોત્તરી યોજાઈ હતી.જેનુ મંત્રીશ્રી દ્વારા માર્ગદર્શન પુરૂ પાડીને રાજયની દિકરીઓને વધુ પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમો આયોજીત કરવા તેમજ રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી/સિધ્ધિઓને રાજ્ય સ્તરે બિરદાવવા તેમજ રાજ્યના તમામ જિલ્લાઓમા બાલિકા પંચાયત માળખું ઉભુ કરવા જરૂરી સુચનાઓ આપી હતી.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગ ના નિયામક શ્રીમતી ડૉ.જિન્સી રોય દ્વારા માન. મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરીને, કાર્યક્રમની રૂપરેખા આપીને દિકરીઓના જન્મદર પ્રત્યે વધુ જાગૃત થવા અપીલ કરવામાં આવી હતી. તેમજ અધિક કમિશ્નર શ્રીમતી સિધ્ધિ પટેલ દ્વારા આભાર દર્શન કરીને દિકરીઓને સમાજના મશાલચી બનીને આગળ વધવા પ્રોત્સાહિત કરાઈ હતી.

રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ૧૦ દિકરીઓ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓએ ઓનલાઇન માધ્યમથી સહભાગી બનીને સંવાદ કર્યો હતો.

(4:59 pm IST)