ગાંધીનગરમાં કોબા નજીક આવેલ પાર્ટીપ્લોટમાં પાર્ક કરેલ કારના કાચ તોડી ગઠિયા રોકડ સહીત દાગીનાની ઉઠાંતરી કરી છૂમંતર.
ગાંધીનગર: ગાંધીનગરમાં લગ્નસરાની મોસમ શરૃ થતાંની સાથે હવે ગઠીયા ટોળકી પણ સક્રિય થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે કોબા પાસે આવેલા પાર્ટી પ્લોટ બહાર પાર્ક થયેલી ત્રણ જેટલી કારના કાચ તોડીને ગઠીયાઓ તેમાંથી રોકડ અને દાગીના ચોરી જવામાં સફળ રહયા હતા. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને ગઠીયાઓને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. વધેલી આ પ્રકારની ચોરીની ઘટનાઓને પગલે ટોળકીને સમયસર પકડી લેવી પણ પોલીસ માટે જરૃરી છે.
ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે હવે લગ્નસરાની મોસમ શરૃ થતાંની સાથે જ ગઠીયા ટોળકી પણ સક્રિય થઈ ગઈ છે જે લગ્ન સમારંભોમાં પહોંચી જઈને યજમાનોના કીંમતી માલસામાન પણ ચોરી રહી છે. તો પાર્ટી પ્લોટો કે રંગમંચો અને બેન્કવેટ બહાર પાર્ક થયેલા વાહનોના કાચ તોડીને તેમાંથી દરદાગીના સેરવી રહી છે. ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા કોબા પાસે ગ્રીનવુડ પાર્ટી પ્લોટ બહાર પાર્ક થયેલી ત્રણ જેટલી કારના કાચ ગઠીયા ટોળકીએ તોડયા હતા જે પૈકી એક કારમાંથી ર૦ હજાર રોકડા, એક મોબાઈલ અને પાંચ તોલા દાગીનાની ચોરી કરીને ગઠીયાઓ પલાયન થઈ ગયા હતા. આ સંદર્ભે કાર માલિકોએ પોલીસનો સંપર્ક કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને પાર્ટી પ્લોટ બહાર લાગેલા સીસીટીવીના આધારે ગઠીયાઓ પકડવા માટે દોડધામ શરૃ કરી હતી. નોંધવું રહેશે કે છેલ્લા ઘણા સમયથી અડાલજ પંથકના ત્રિમંદિર બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પણ પાર્ક થતાં વાહનોમાંથી ચોરીની ઘટનાઓ બનતી રહી છે. ત્યારે આ ગેંગ હવે કયારે પોલીસ પકડમાં આવે છે તે જોવું રહયું.