ગુજરાત
News of Monday, 24th January 2022

ગાંધીનગરના પેથાપુરમાં મોટર બગડી જવાના કારણોસર પાણીનો પુરવઠો ખોરવાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

ગાંધીનગર:શહેરમાં સમાવિષ્ટ કરાયેલા પેથાપુરમાં વસવાટ કરતાં ગ્રામજનોને પીવાનું પાણી પુરતું મળી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે પાણીનું જયાંથી વિતરણ કરાઈ રહયું છે ત્યાં આગળ મોટર બગડી જવાના કારણે છેલ્લા બે દિવસથી ગ્રામજનોને પાણીથી વંચિત રહેવાની નોબત આવી છે.

હાલમાં જે મોટર લગાડવામાં આવી છે તે બગડી જવાની સાથેસાથે બીજી અન્ય મોટર પણ ઘણા સમયથી બંધ હાલતમાં પડેલી છે. આમ તંત્ર દ્વારા સમયાંતરે મેઈન્ટેનન્સ કરવામાં નહીં આવતાં પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. અન્ય બે મોટરો લગાવેલી છે તે પણ બંધ હોવાથી પાણીનું વિતરણ નિયમિત થઈ શકે તે માટેનું કોઈ આયોજન હાથ ધરવામાં નહીં આવતાં છેલ્લા બે દિવસથી ગામમાં પાણીનું વિતરણ થઈ શકયું નથી. જેના પગલે ભરશિયાળામાં ગ્રામજનોને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહયા છે ત્યારે સોમવારે પણ સમારકામ કરવાનું હોવાના કારણે પાણીનો પુરવઠો પુરો પાડી શકાય તેમ નહીં હોવાની સંભાવના પણ સેવાઈ રહી છે. આમ તંત્ર દ્વારા અવારનવાર બગડી જતી મોટરોનું નિયમિત મેઈન્ટેનન્સ કરવામાં આવે તો પ્રકારની જે પરિસ્થિતિ ઉભી થતી હોય છે તે પણ નિવારી શકાય છે. 

(6:44 pm IST)