ગુજરાત
News of Monday, 24th January 2022

સુરતના રાંદેર ટાઉનમાં બે ભાઈઓ વચ્ચે થયેલ કૌટુંબિક વિવાદમાં એકબીજા પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ

સુરત: રાંદેર ટાઉનના પાલીયાવાડ વિસ્તારમાં મકાનની માલિકી મુદ્દે કૌટુંબીક ભાઇઓ વચ્ચે ચાલી રહેલા વિવાદ અંતર્ગત ગત રોજ રસ્તા વચ્ચેથી કાર ખસેડવાના મુદ્દે ઝઘડો થતા સળીયા, તલવાર અને ચપ્પુ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. જેમાં એકને ચપ્પુ વડે ગંભીર ઇજા થતા રાંદેર પોલીસ દોડતી થઇ ગઇ છે. રાંદેર ટાઉનના પાલીયાવાડ સ્થિત ન્યુ અંજુમન સ્કૂલ નજીક રહેતા અબ્દુલ રહેમાન ઉર્ફે સદ્દામ ગુલામ સૈયદ ઘરેથી સામાન ભરી ટેમ્પો લઇ જઇ રહ્યો હતો ત્યારે તેના કૌટુંબીક ભાઇ ઇકબાલ આબેદીન સૈયદ અને તેનો ભાઇ અઝહરૂદ્દીન સૈયદ કાર લઇ રસ્તામાં ઉભા હતા. જેથી અબ્દુલે રસ્તામાંથી કાર હટાવવાનું કહેતા વેંત ઇકબાલ અને અઝહરૂદ્દીને કાર હટાવીશું નહીં એમ કહી અબ્દુલને ઢીક-મુક્કીનો માર માર્યો હતો. અરસામાં ઇકબાલનો પુત્ર અહદ સૈયદ અને ભત્રીજો ગુફરાન સૈયદ ઘરમાંથી લોખંડનો સળીયો લઇ દોડી આવ્યા હતા અને અબ્દુલને માર માર્યો હતો. અબ્દુલને બચાવવા તેનો નાનો બાઇ સલમાન અને માતા સમીમબાનું વચ્ચે પડતા તેમને પણ માર મારી ટેમ્પોને નુકશાન કર્યુ હતું. મામલો પોલીસમાં નહીં પહોંચે તે માટે બંનેના પરિવાર વચ્ચે સમાધાનની વાત ચાલી રહી હતી. અરસામાં અઝહરૂદ્દીન, તેનો ભાઇ ઇકબાલ, અને મિત્ર સરફરાઝ તથા સિદ્દીક રાંદેર તીનબત્તી પાસે નાસ્તો કરવા ગયા હતા. જયાં અબ્દુલ રહેમાન, તેનો ભાઇ સલમાન, તૌસીફ લાલુ અને મુસ્તુફા મલેક કારમાં ઘસી આવી ઇકબાલની ફેંટ પકડી માર માર્યો હતો. ઉપરાંત ચપ્પુ વડે ઇકબાલને ચારથી પાંચ ઘા ઝીંકી દીધા હતા અને તલવાર માથામાં મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઇકબાલ ખસી જતા તેના બંને હાથ અને પગમાં ઇજા થઇ હતી. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ દોડી ગઇ હતી. પોલીસે અબ્દુલ રહેમાન, સલામન, તૌસીફ અને મુસ્તુફા વિરૂધ્ધ હત્યાના પ્રયાસ અને અઝહરૂદ્દીન, ઇકબાલ, અહદ અને ગુફરાન વિરૂધ્ધ મારામારીનો ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે અબ્દુલ રહેમાન અને ઇકબાલ આબેદીન સૈયદ કૌટુંબીક ભાઇ છે અને મકાનની માલિકી બાબતે તેઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડો ચાલી રહ્યો છે

(6:48 pm IST)