ગુજરાત
News of Monday, 24th January 2022

અમદાવાદ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં બાઉન્સરો ઉપયોગ પ્રજાને ડરાવવા કરતા હોવાનો વિપક્ષનો આક્ષેપ

વિપક્ષ નેતાએ અટલ ટ્રેનમાં જૂના પાટા નાંખવા, ડસ્ટબિન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ તેમજ રોડ-રસ્તાના કામ અંગે સવાલ ઉઠાવ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા આજે ઓનલાઈન મળી હતી. જેમાં વિપક્ષ નેતાઓ વિકાસાના કામો મુદ્દે અનેક સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે જ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં બાઉન્સરો રાખીને પ્રજાને ડરાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, AMCની સામાન્ય સભામાં વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે બાઉન્સરો રાખવા અંગે સાવલ ઉઠાવ્યા હતા. વિપક્ષ નેતાએ જણાવ્યું કે, ભૂતકાળમાં ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ માટે બાઉન્સર રાખવામાં આવ્યા તે શરમજનક બાબત છે. નેતાઓ ચૂંટણી સમયે વોટ માંગવા માટે પ્રજા પાસે બાઉન્સર લઈને નથી જતાં, તો પછી સરકારી કચેરી કોર્પોરેશનમાં ચૂંટાયા બાદ આખરે બાઉન્સરો શા માટે?

કોર્પોરેશનમાં બાઉન્સરોની વ્યવસ્થા પ્રજાને ડરાવવા માટે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનની કચેરીઓ અને AMC સંચાલિત હોસ્પિટલોમાંથી સુરક્ષા માટે ખાનગી બાઉન્સરો અને પોલીસ સહિતનો કાફલો ખડકી દેવામાં આવે છે. જેના કારણે લોકોને તેમજ દર્દીને આવે ત્યારે ડર રહે છે. અમદાવાદમાં 1000 જેટલા ખાનગી બાઉન્સરોને કરોડો રૂપિયાનું બિલ ચૂકવવામાં આવે છે. આથી કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાંથી બાઉન્સરોને હટાવવાની માંગ કરી હતી.

વધુમાં વિપક્ષ નેતાએ અટલ ટ્રેનમાં જૂના પાટા નાંખવા, ડસ્ટબિન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ તેમજ રોડ-રસ્તાના કામ અંગે સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે જ હોસ્પિટલોને ફાયર એનઓસી મુદ્દે છૂટછાટ આપવાની માંગ કરી હતી.

(12:15 am IST)