ગુજરાત
News of Friday, 24th September 2021

વડોદરા બનેવીને ત્યાં રોકવા ગયેલ મહિલાના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 6 લાખથી વધુની મતા ચોરી છૂમંતર....

વડોદરા: શહેરમાં બંધ મકાનોની રેકી કરી ચોરી કરવાના બનાવો સતત બની રહ્યા છે. સમા વિસ્તારમાં આવા જ એક બનાવમાં એક મહિલાએ રૂ.6 લાખ થી વધુ મતા ગુમાવી છે.

સમાની સાહેબ કૃપા સોસાયટીમાં રહેતા મિતલબેન થાનકીએ પોલીસને કહ્યું છે કે મારા પતિ દિલ્હી ગયા હોય હું તા.22મીએ મારા સંતાનો સાથે રાવપુરામાં રહેતા બનેવીને ત્યાં ગઈ હતી. બીજા દિવસે અમે મકાને પરત ફર્યા ત્યારે જાળીનો નકુચો તૂટેલો હતો અને તાળું જણાયું ન હતું.

તપાસ કરતા મકાનનો સામાન વેર વિખેર હતો અને ચોરો સોનાની ચેન, ડોકિયું, બુટ્ટીઓ, ભગવાનના પગલાં જેવા સોનાના દાગીના એક કીલોથી વધુ ચાંદી અને રોકડા રૂ.12000 ચોરી ગયા હતા. સમા પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વડોદરા:નાગરવાડા નવીધરતી વિસ્તારમાં મકાનની ટેરેસ પર ધમધમતા  જુગારધામ પર પોલીસે દરોડા પાડી  3 શકુનિઓને  ઝડપી પાડયા

વડોદરા: શહેરનીનાગરવાડા નવીધરતી વિસ્તારમાં એક મકાનની ટેરેસ પર જુગાર રમતા 3 જુગારીઓને પોલીસે ઝડપી પાડતા ઉત્તેજના ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

કારેલીબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નાગરવાડા નવીધરતી વિસ્તારમાં બળીયાદેવ મંદિર પાસે રહેતો જીગ્નેશ અંબાલાલ રાણા ઉર્ફે માતાજી જુગાર રમાડતો હોવાની વિગતો મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે મકાનના ધાબા પરથી જુગાર રમતા ચિરાગ કમલેશ ભાઈ રાણા, વિશ્વનાથ તુલસીદાસ પંડ્યા અને વિકાસ ચંદ્રકાંતભાઈ રાણાને ઝડપી પાડી રોકડા રૂ.19580 કબજે કર્યા હતા. પોલીસે સૂત્રધાર જીગ્નેશ રાણાને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

(6:02 pm IST)