ગુજરાત
News of Sunday, 24th October 2021

ભીડભાળ વાળા બજારોમાં સાવચેતી સાથે ખરીદી કરાવવા અમદાવાદમાં પોલીસનો નવતર પ્રયોગ

ખરીદીમાં મસ્ત મહિલાઓનાં સામાનની ચોરી કરી અને બાદમાં તકેદારી રાખવા સમજણ આપી

અમદાવાદનાં સૌથી ભરચક વિસ્તાર લાલદરવાજાનાં શહેરનું સૌથી જુનું માર્કેટ ઢાલગરવાડ, ત્રણ દરવાજા, પાંચ દરવાજા છે તેવામાં  દિવાળીનાં તહેવારને આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે. ત્યારે આ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગત વર્ષે કોરોનાનાં કારણે આ બજારમાં એકલ દોલક ખરીદદારો જોવા મળતા હતા. જ્યારે આ વખતે દિવાળીનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. પરંતુ ભીડમાં ખરીદી કરવા આવતા લોકોનું ધ્યાન ખરીદીમાં હોય તેનો લાભ લઈને ચોર ટોળકી અનેક લોકોનાં સામાનની ચોરી કરતી હોય છે.

કારંજ પોલીસે બજારમાં સી ટીમ સાથે રાખીને લોકો કેટલી બેદરકારી રાખે છે તેનું ચેકિંગ હાથ ધર્યુ હતું અને અલગ અલગ મહિલાઓનાં બેગ, પાકિટ સહિતનાં સામાનની કઈ રીતે ચોરી થાય છે તેનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. પોલીસે અલગ અલગ જગ્યાઓ પર જઈને ખરીદીમાં મસ્ત મહિલાઓનાં સામાનની ચોરી કરી હતી અને બાદમાં તેઓને તકેદારી રાખવા સમજણ આપી હતી. ત્યારે અનેક લોકો એવા પણ જોવા મળ્યા હતા. કે ખરીદી સમયે તેઓનાં બાળકો પણ પોલીસ એક તરફ લઈ ગઈ છતાંય તેઓનું ધ્યાન નહોતું.

તેવામાં પોલીસે ખરીદી માટે આવતા તમામ લોકોને સાવચેતી રાખવા સૂચન કર્યુ છે. દર વર્ષે દિવાળી પહેલા બજારમાં કપડાંથી લઈને ઘરવખરીની તમામ વસ્તુઓની ખરીદી માટે આવતા લોકોનાં કિંમતી સામાન ચોરાઈ જવાની અનેક ધટનાઓ બને છે. તેવામાં પોલીસ અલગ અલગ ચેક પોઈન્ટ બનાવીને આ પ્રવૃતિ અટકાવવા પ્રયાસ કરે છે. પરંતુ ચોરીને અટકાવવા લોક જાગૃતિ પણ એટલી જ જરૂરી છે.

(9:58 pm IST)