ગુજરાત
News of Sunday, 24th October 2021

રાજપીપળામાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆતો બાદ પણ કોઈ નિરાકરણ ન મળતા સ્થાનિકો નારાજ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં અનેક હિન્દૂ વિસ્તારોમાં અન્ય કોમના લોકો મકાનો ખરીદતા હોવાની વાતથી હિન્દૂ સંઘટનો દ્વારા સ્થાનિક તંત્રને અશાંત ધારો લાગુ કરવા રજૂઆતો કરાઈ હોવા છતાં લાંબા સમયથી કોઈજ હકારાત્મક નિર્ણય ન આવતા અનેક સવાલો ઉઠ્યા છે.

ત્યારે રાજપીપળાના કેટલાક હિંદુ વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ શુ રાજપીપલા શહેરમાં અશાંતિ ઉભી થશે ત્યારેજ અશાંત ધારો લાગુ પડશે ? વર્ષોથી માત્ર અને માત્ર હિન્દુ વસ્તી ઘરાવતાં વિસ્તારોમાં જ અન્ય કોમ દ્વારા હિન્દુઓના લેખિત વિરોધ નોધાવ્યા છતાં કેટલીક રહેણાંક મિલકતો ખરીદવામાં આવતાં અશાંતિ ઊભી થયેલ છે . જે માટે કલેકટર તથા અન્ય ઉચ્ચ પદાધિકારીઓને આવેદનપત્રો આપીને ઘટતુ કરવા માટે વિનંતી કરવામાં આવેલ છે તેમ છતાં ઝોલાખડકી , ટીંબા ખડકી જેવા તથા જયાં માત્ર અને માત્ર હિન્દુઓના ધર્મ સ્થાનો આવેલ છે . તેની આજુબાજુ ની મિલકતો અન્ય કોમ દ્વારા ખરીદવામાં આવતી હોવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર હોવાનું જણાઇ આવેલ છે . ઉચ્ચ પદ પર બેઠેલ અધિકારીઓની ઢીલી કામગીરી ને કારણે હાલમાં હિન્દુ વસ્તી ઘરાવતાં એરીયા માં રહીશોમાં રોષ અને હતાશાની લાગણી ઉભી થયેલ છે . જે બાબતે તાત્કાલીક યોગ્ય પગલાં નહી લેવામાંઆવે તો નજીકના દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા અપાઈ છે.
  રાજપીપળા શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટી ઇન્દ્રવદન શાહે જણાવ્યું કે અશાંત ધારા માટે અમે અગાઉ રજુઆત કરી પરંતુ કોઇ ઉકેલ ન આવ્યો ત્યારબાદ અન્ય કોમના એક વ્યક્તિ એ મંદિર ના સત્સંગ હોલ અને ત્યાં વર્ષોથી રહેતા હિન્દૂ લોકોના વિસ્તારમાં એક મકાન ખરીદ કર્યું તેનો દાસ્તવેજ પણ થઈ જતાં અમે ફરી રજુઆત કરતા પોલીસ આવી અમારા જવાબો લીધા છે પરંતુ સરકાર કે લોકલ અધિકારીઓ ની આ ઢીલી નીતિ ના કારણે આ બાબતે સ્થાનિકો માં હતાશા સાથે નારાજગી વ્યાપી છે.

(10:16 pm IST)