ગુજરાત
News of Sunday, 24th October 2021

સરકાર રાતે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપે તેવા એંધાણ :

અમદાવાદમાં રાતે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ હોવાથી સરકાર માત્ર 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપી શકે છે.

 

ગાંધીનગર: દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે બજારમાં કોરોના સંક્રમણ વચ્ચે લોકોની ઓછી ભીડ જોવા મળી રહી છે. દિવાળીના તહેવાર સમયે રોશનીથી અનેક શહેર જગમગી ઉઠતા હોય છે ત્યારે આ વખતે દિવાળીનો માહોલ ફીકો લાગી રહ્યો છે. દિવાળીમાં ફટાકડા ફોડવાની હજુ સુધી સરકારે મંજૂરી ના આપી હોવાથી બજારમાં પણ ફટાકડા ખરીદવા લોકોનો ઓછો રસ જોવા મળી રહ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષથી અમુક પ્રકારના ફટાકડા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેમાં અમુક માત્રા કરતા વધારે અવાજ, પ્રદૂષણ કે ધૂમાડો કરતા ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ છે. જોકે, આ પ્રતિબંધ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ યથાવત રહેશે.

આખુ વર્ષ ફટાકડાનું વેચાણ કરવા માટે અમદાવાદના 70 વેપારીઓ કાયમી લાયસન્સ ધરાવે છે. જોકે, તે વેપારીઓએ ફટાકડાનું વેચાણ શરૂ કરી દીધુ છે અને તેમને ત્યાથી લોકો ફટાકડાની ખરીદી પણ કરી રહ્યા છે. જોકે, ચાલુ વર્ષે રાજ્ય સરકારે ફટાકડા ફોડવલાની મંજૂરી આપશે કે નહી તેને લઇને વેપારીઓ મૂંઝવણમાં છે. અમદાવાદમાં દર વર્ષે નાના મોટા હંગામી ફટાકડા બજાર, સ્ટોલ, લારી-પાથરણા મળીને 10 હજાર જગ્યાએ ફટાડકાનું વેચાણ થાય છે. જોકે, વેપારીઓએ પોલીસ સ્ટેશન જાય છે તો તેમણે સ્ટોલ કે ફટાડકાનું વેચાણ કરવા દેવા માટે પોલીસ દ્વારા મંજૂરી પણ આપવામાં આવતી નથી.

છેલ્લા કેટલાક વર્ષથી રાજ્ય સરકાર દિવાળીમાં રાત્રે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવા મંજૂરી આપે છે. જોકે, ચાલુ વર્ષે પણ કોરોનાને કારણે સરકારે રાતે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપે તેવા એંધાણ છે. જ્યારે બીજી તરફ અમદાવાદમાં રાતે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ હોવાથી સરકાર માત્ર 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપી શકે છે.

(12:16 pm IST)