ગુજરાત
News of Sunday, 24th October 2021

સીઆર પાટીલે ફરી પોતાના નિવેદનોથી વિપક્ષના કાન અધ્ધર કરી દીધા કહ્યું કે કોંગ્રેસને હરાવવા માટે કામ નથી કરવાનું, તેમના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય તેવું કામ કરો : પાટીલ ભાઉ થોડા અલગ મૂડમાં જોવા મળ્યા

Photo : cr-patil

ગાંધીનગર : પોતાના નિવેદનો માટે જાણીતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ફરી પોતાના નિવેદનોથી વિપક્ષના કાન અધ્ધર કરી દીધા છે. એક કાર્યક્રમમાં પોતાના કાર્યકરોને સંબોધતા સીઆર પાટીલે આગામી ચૂંટણીને લઈને કાર્યકરોને સલાહ સૂચનો આપ્યા હતા. સાથે જ કોંગ્રેસને હરાવવા માટે શું કરવું તે માટેનું માર્ગદર્શન પણ આપ્યું હતું. જોકે, દરવખતની જેમ આ વખતે પણ પાટીલ ભાઉ થોડા અલગ મૂડમાં જોવા મળ્યા હતા.

સીઆર પાટીલે પોતાના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું, ‘ધારાસભ્યો-સાંસદો પોતાના મતવિસ્તારોમાં સંગઠનના કામકાજ અર્થે જાય ત્યારે જે-તે સંગઠનના હોદ્દેદારો અને આગેવાનોને વ્હોટ્સએપ ગ્રુપમાં જાણ કરવાનું રાખો એટલે પોતાના મતવિસ્તારમાં નેતાઓ આવતા જ નથી તે ફરિયાદ દૂર થઈ જાય. કોંગ્રેસને હરાવવા કરતા તેમના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય તેવી મહેનત કરવાની છે.’

તો સાથે સાથે, પક્ષમાં ટિકિટ માટે થતી મારામારીને લઈને પણ પાટીલે કહ્યું હતું, ‘ચૂંટણીમાં ટીકીટ મળે તો પોતાના માટે અને ના મળે તો જેને ટીકીટ મળી હોય તેના માટે મહેનત કરવાની છે. હું સક્ષમ છું એટલે ટીકીટ મને જ મળવી જોઈએ તેવો ક્યારેય આગ્રહ રાખવો જોઈએ નહીં.’

તો, સાંસદોને મળતી ગ્રાન્ટને લઈને પણ પાટીલે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં રસ્તાઓ બનાવવા માટે સાંસદોને પણ રૂ.10-10 કરોડની ગ્રાન્ટ આપવા રજુઆત કરી છે. રસ્તાઓ માટે સાંસદોને ગ્રાન્ટ મળશે તો મતદારો સમક્ષ તેમની કામગીરી વધુ દેખાશે. સરકારી યોજનાઓનો મતદારોને લાભ મળે તે માટે આપણે પ્રયત્નો કરીએ તો ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં બહુ મહેનતની જરૂર નહીં પડે.’

વધુમાં પાટીલે જણાવ્યું હતું કે, 700 કરોડ રૂપિયાની ઉદ્યોગોને સબસીડી આપવા સરકાર તૈયારી કરી રહી છે. સાંસદો ધારાસભ્યોને ટેબ્લેટ આપ્યા હતા પણ કોઈના હાથમાં દેખાતા નથી, પક્ષે આપેલા ટેબ્લેટ ઘરે બાળકોને રમવા માટે આપ્યા નથી.’ તો ધારાસભ્યોને અંતિમ સ્વરમાં ચેતવણી આપતા એમ પણ કહ્યું હતું કે જેમની પેજ કમિટીઓ બાકી છે તે ધારાસભ્યો 30 નવેમ્બર પહેલા પુરી કરી દેજો, નહીં તો બીજાને જવાબદારી સોંપવી પડશે.’

(1:51 pm IST)