ગુજરાત
News of Sunday, 24th October 2021

અમદાવાદમાં રચાયો સુવર્ણ ઇતિહાસ, એક સાથે 74 મુમુક્ષોની યોજાઇ વર્ષીદાન યાત્રા

વરઘોડામાં 74 મુમુક્ષો માટે ભવ્ય રીતે તૈયાર કરેલી શિબિકાઓ, આકર્ષક ટેબ્લો, દેશભરમાંથી આવેલી મંડળીઓ અને મોટો સાધુ સમુદાય પણ જોડાયો હતો. સંગીત, કીર્તન, ચારિત્ર ધર્મના મર્મને ઉજાગર કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહ્યા હતા

 

અમદાવાદ, જૈન સમુદાયના 74 દીક્ષાર્થીઓના મહાભિનિષ્ક્રમણની ભવ્ય ઉજવણી અંતર્ગત અમદાવાદમાં હજારો ભાવિકોની ઉપસ્થિતમાં ભવ્ય વર્ષીદાની શોભાયાત્રા રવિવારે યોજાઈ. જેમાં સામેલ તમામ મુમુક્ષો આગામી 29 નવેમ્બરે સુરતમાં દીક્ષાગ્રહણ કરીને ઇતિહાસ રચશે.
જૈન શાસનના વિજયમાર્ગની વિજયધ્વજા લહેરાવતી અનેક વિશષ્ટિતાઓ સાથે ભવ્ય વર્ષીદાનનો વરઘોડો સવારે 10 કલાકે અમદાવાદ શહેરના ઉસ્માનપુરાના સુમતિનાથ જિનાલાયથી ઋજુવાલિકા ફ્લેટથી સત્યવાદી સોસાયટી થઇ પંચશીલ રેસીડેન્સી પહોંચ્યો હતો. અહીંથી તલાવડી થઇ નારણપુરા રેલવે ક્રોસિંગ થઇને ડી.કે.પટેલ હોલ સુધી શોભાયાત્રા યોજાઈ.
આ વરઘોડામાં 74 મુમુક્ષો માટે ભવ્ય રીતે તૈયાર કરેલી શિબિકાઓ, આકર્ષક ટેબ્લો, દેશભરમાંથી આવેલી મંડળીઓ અને મોટો સાધુ સમુદાય પણ જોડાયો હતો. સંગીત, કીર્તન, ચારિત્ર ધર્મના મર્મને ઉજાગર કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહ્યા હતા. હવે આગામી 27 ઓક્ટોબરે હિંમતનગરમાં તમામ મુમુક્ષોનો વર્ષીદાનનો વરઘોડો યોજાશે. ત્યારબાદ 29 નવેમ્બરે સુરતના શાંતિવર્ધક જૈન સંઘ પાલ ખાતે સૂરિ જિન સંયમ કૃપા પાત્ર જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજીની નિશ્રામાં એક સાથે 74 મુમુક્ષો દીક્ષા લઈ સંસારનો ત્યાગ કરશે.

 

 

(3:55 pm IST)