ગુજરાત
News of Sunday, 24th October 2021

કૌરવોનું લશ્કર ખૂબ મોટુ છે અને પાંડવો ઓછા છે

મંચ પરથી હાર્દિક પટેલનો હુંકાર : પાલનપુરમાં વડગામના ધારાસભ્ય મેવાણીના અભિવાદન કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાએ ભાજપની ઝાટકણી કાઢી હતી

બનાસકાંઠા, તા.૨૪ : પાલનપુરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાતા યુવા હુંકાર રેલી અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી બીકે ગઢવી સંકુલ સુધી બાઇક અને કાર રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. આ રેલીમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મંચ પરથી હાર્દિક પટેલે હુંકાર કરતા કહ્યુ હતું કે, ગુજરાતમાં ૩૦ વર્ષથી સત્તામાં બેઠેલી પાર્ટી ને હરાવવી મુશ્કેલ છે તેવું કોઈ કહેતું હોય તો હું કહેવા માગું છે કે આ જ બનાસકાંઠાની જનતાએ ૬ સીટો કોંગ્રેસને આપી હતી.

પાલનપુરમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના અભિવાદન કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આકરા શબ્દોમાં ભાજપની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યુ હતું કે, જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે મોટી સંખ્યામાં અન્યાય સામે લડવું પડે છે. જીગ્નેશ મેવાનીએ દલિતો, શોષિતો સામે કામ કર્યું છે. ગુજરાતમાં ૩૦ વર્ષથી સતામાં બેઠેલી પાર્ટીને હરાવવી મુશ્કેલ છે તેવું કોઈ કહેતું હોય તો હું કહેવા માગું છે કે આજ બનાસકાંઠાની જનતાએ ૬ સીટો કોંગ્રેસને આપી હતી. તો છઆગામી ૨૦૨૨ ની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ બનાસકાંઠાની ૯ સીટો જીતશે. ૨૦૨૨ ની ચૂંટણીમાં ૧૨૫ સીટો સાથે ગુજરાતમાં કોંગ્રેસ ફરી સત્તામાં આવશે.

તેમણે કહ્યુ હતું કે, હવે જો ગુજરાતની જનતા સાથે અન્યાય થશે તો તમારી ખુરશીના ત્રણ પાયા છોડીને તમને ૩૦ સીટો ઉપર લાવી દઈશું. ૨૦૧૪ પહેલા ગુજરાત અને દેશમાં પેટ્રોલ ૭૦ રૂપિયે મળતું હતું, ત્યારે ભારતીય જનતા પાર્ટી મોંઘવારીને લઈને વિરોધ કરતા હતા, પણ આજે કેમ બોલતા નથી. ભાજપની તાનશાહી અને ગુંડાગર્દી સામે લોકો લાચાર છે. આજે એક તરફ સરકાર ઉદ્યોગપતિઓના વીજળી બિલ માફ કરે છે, પણ ગુજરાતના ખેડૂતને પૂરતી વીજળી પણ મળતી નથી. હવે અન્યાય અને અત્યાચારીઓને સમજાવવાની જરૂર છે. આપણી સામે ખૂબ મોટું કૌરવોનું લશ્કર છે અને આપણી સાથે ઓછા પાંડવો છે.

(7:09 pm IST)