ગુજરાત
News of Sunday, 24th October 2021

ખેડૂતોને પૂરતા સમય વીજળી આપો : અઘોષિત વીજ કાપ મુદ્દે કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાની ઉગ્ર આંદોલનની ચીમકી

સમયસર વાવેતર નહીં થાય તો શિયાળુ પાકના ઉત્પાદનમાં મોટો ફટકો પડી શક: વીજળી ચારથી પાંચ કલાક આપી બિલ પુરું 8 કલાકનું વસૂલ કરી ખેડૂતોને ડામ

અમદાવાદ :  ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરના સમયે જ કૃષિ વિષયક વીજળીમાં અઘોષિત વીજ કાપ ખેડૂતો પર થોપી દેવામાં આવ્યો હોવાનું જણાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ  મોઢવાડિયાએ જણાવ્યું છે કે, વાવેતર સમયે વીજ કાપ થોપી બેસાડી રાજયની ભાજપ સરકાર ખેડૂતોને પીડિત કરી રહી છે. ખેડૂતો રવિ સીઝનના વાવેતરની તૈયારી કરી રહ્યા છે પરંતુ ખેડૂતોને દિવસે વીજળી આપવાના દિવા સ્વપ્નો દેખાડી રહેલી ભાજપ સરકારે કુષિ વિષયક વીજળીમાં મોટો કાપ મૂકીને ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવી લેવાનું પુરું આયોજન કર્યું છે. વીજળીના અભાવે પિયત ના થતાં ખેડૂતો વાવેતર કરી શકે તેમ નથી. જો સમયસર વાવેતર નહીં થાય તો શિયાળુ પાકના ઉત્પાદનમાં મોટો ફટકો પડી શકે તેમ હોવાનું તેમણે જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, એકબાજુ સરકારે ચોમાસુ સીઝન નિષ્ફળ જવા છતાં ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ એક રૂપિયાની પણ સહાય આપવામાં આવી નથી. એવામાં હવે શિયાળુ સિઝન પણ નિષ્ફળ જશે તો ખેડૂતો માટે પડયા પર પાટુ જેવી સ્થિતિ સર્જાશે. ખેડૂતો પાસેથી પુરું લાઇટ બિલ વસૂલવામાં આવતું હોવા છતાં નિર્ધારિત 8 કલાકની જગ્યાએ માત્ર 5 કલાક વીજળી આપી ખેડૂતોને ડામ આપવામાં આવી રહ્યાં છે. તેમાં પણ અનિયમિત સમયના કારણે ખેડૂતો પિયત કરી શકતા નથી. ઉપરાંત વારંવાર વીજ કટ થતો હોવાથી ટયૂબવેલની મોટર પણ બળી જતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. ખેડૂતો વીજ કચેરીએ ફોન કરે તો લાઇન ફોલ્ટ હોવાના ખોટા બહાના બતાડવામાં આવી રહ્યાં છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જે રીતે ભાજપ સરકાર ખેડૂતોને હેરાન કરી રહી છે તે અસહ્ય છે, મારી રાજય સરકાર અને વીજ કંપનીઓને વિનંતી છે કે, ખેડૂતો પુરતા સમય સુધી એકધારી વીજળી આપવામાં આવે. નહીં તો ખેડૂતોને સાથે રાખી આ મામલે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી છે.

(10:23 pm IST)