ગુજરાત
News of Tuesday, 24th November 2020

પ્રાંતિજમાં બે દિવસનો સ્વયંભૂ લોકડાઉન, તમામ બજારો બંધ

તહેવારોની મજા હવે લોકો માટે સજા બની રહી છે : જીવલેણ કોરોનાના કેસ વધતા તંત્ર સફાળું જાગ્યું, આગામી દસ દિવસ માટે સ્વયંભૂ રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરાઈ

હિંમતનગર, તા. ૨૩ : સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર વધતા પ્રજામાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે પ્રાંતિજમાં બે દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ઉપરાંત આગામી ૧૦ દિવસ માટે સ્વયંભૂ રાત્રિ જનતા કરફયુની જાહેરાત કરવામાં આવી હતી. રવિવારે પ્રાંતિજના મુખ્ય બજારો સહિત વિવિધ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી.

આ અંગેની વિગત એવી છે કે જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. હિંમતનગર, ઇડર, વડાલી, પ્રાંતિજ સહિતના અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના સંક્રમણનો વ્યાપ વધવા લાગતા ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લોકો સ્વયંભૂ રીતે રેપિડ ટેસ્ટ કરાવવા માટે લાઇનમાં ઉભા રહેવા લાગ્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ફરી લોકડાઉન આવશે કે કેમ તેની ચર્ચાઓ થઇ રહી છે ત્યારે કોરોનાના સંક્રમણ વચ્ચે પ્રાંતિજમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે થઇને હવે લોકોએ પણ જાતે જ પગલા ભરવાની શરૂઆત કરી છે. સ્થાનિક લોકો અને સ્થાનિક વહેપારીઓ સાથે મળીને હવે લોકોને કોરોના મહામારીથી સુરક્ષિત રાખવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે. નગરપાલિકા સાથે વહેપારીઓએ બેઠક યોજી પ્રાંતિજ શહેરના બજારો બંધ રાખવા સાથે જ જનતા કરફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે. શહેરમાં રવિવાર સવારથી જ રસ્તાઓ સુમસામ બની ગયા હતા અને બજારોમાં વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાની દુકાનો બંધ રાખતા લોકોની અવરજવર પણ નહિવત જોવા મળી હતી.

શહેરમાં તમામ દુકાનો બંધ રહેતા ભીડ ભાડ ભર્યા રહેતા બજારો પણ હવે સુમસામ ભાસવા લાગ્યા હતા. પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ દિપક કડીયાએ જણાવ્યુ હતુ કે, આજથી શહેરમાં બે દિવસ માટે સ્વંયભૂ લોકડાઉનને પાળવામાં આવ્યુ છે. જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ વધતુ હતું તેને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૩૦ તારીખ સુધી રાત્રિ જનતા કરફ્યુ પણ જાહેર કરવામાં આવ્યુ છે.

વહેપારી આગેવાન ભુવનેશ પરીખ અને નિત્યાંદન બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતું કે, કોરોનાને અંકુશમાં લાવવો જરૂરી છે. જો હજુ પણ નિયંત્રણ નહિ આવે તો હજુ પણ યોગ્ય પગલા ભરવા માટે વહેપારીઓએ તૈયારીઓ દર્શાવી છે.  શહેરમાં લોકોએ પણ કોરોનાને નાથવા માટે થઇને સ્વયંભૂ લોકડાઉનને અનુસરવા માટે સહકાર આપતા જોવા મળી રહ્યા હતા. કારણ કે લોકો પણ બહાર નીકળવાનું ટાળીને ઘરમાં જ રહેતા જોવા મળી રહ્યા

(9:20 pm IST)