ગુજરાત
News of Tuesday, 24th November 2020

કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ૮૦મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન : નરેન્દ્રભાઇ સમાપન સમારોહને ઓનલાઇન સંબોધશે

ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના કેવડીયા નર્મદા ખાતે ઉપસ્થિત રહેશે : બંધારણ દિવસની ઉજવણી કરાશે

પ્રેસ કોન્ફરન્સમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, લોકસભાના અધ્યક્ષ ઓમ વિરલા અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપતા નજરે પડે છે.

રાજકોટ તા. ૨૪ : બંધારણ દિવસની ઉજવણી તથા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સની શતાબ્દી વર્ષને ધ્યાને રાખતા, ચાલુ વર્ષે ૮૦મી 'ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ'નું આયોજન તા. ૨૫- ૨૬ નવેમ્બર ૨૦૨૦ દરમિયાન કેવડિયા નર્મદા ખાતે થઇ રહ્યું છે. આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, લોકસભાના અધ્યક્ષ ઓમ વિરલા અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપી હતી.

૮૦મી 'ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ'નું ઉદઘાટન રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથ કોવિંદજી તા.૨૫ના સવારે ૧૧ કલાકે કરશે. આ કાર્યક્રમમાં રાજયસભાના અધ્યક્ષ તથા ઉપ રાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ પણ હાજર રહેશે. લોકસભાના અધ્યક્ષ તથા વિવિધ રાજયોની વિધાનસભા, વિધાન પરિષદના અધ્યક્ષ તથા પ્રિસાઇડિંગ ઓફિસર્સ પણ આ બે દિવસય કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.

ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. લગભગ ૨૭ વિધાનસભા-વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સે આ કોન્ફરન્સમાં હાજર રહેવા અંગેની પુષ્ટિ કરી છે. આ સંમેલનમાં તમામ રાજયોની વિધાનસભાના સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થાય તેવી શકયતા છે.

ગુજરાતની ધરતી એ પુણ્ય પાવન ભૂમિ છે, જેણે દેશને ગુલામીની બેડીઓમાંથી મુકત કરાવનારા ભારતમાતાના સપૂત મહાત્મા ગાંધીને જન્મ આપ્યો છે. સાડા પાંચસોથી વધુ દેશી રજવાડાઓમાં વહેંચાયેલા દેશને 'એક' કરીને એક રાષ્ટ્ર બનાવનારા લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ પણ અહીં થયો હતો. ગુજરાતમાં ૧૩૦ કરોડ ભારતીયોના દેશની એકતા-અખંડિતતાને પ્રતિ સમર્પિત એને એકતાનાં પ્રતીક સમી દુનિયાની સૌથી ઊંચી- વિશાળકાય સરદારની પ્રતિમા છે. ૨૬ નવેમ્બરનો દિવસ લોકશાહીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આ દિવસને 'બંધારણ દિવસ' - 'સંવિધાન દિવસ' તરીકે મનાવવામાં આવે છે.

આ વર્ષને 'પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સ'ના શતાબ્દી વર્ષ તરીકે પણ મનાવવામાં આવે છે.'અખિલ ભારતીય પીઠાસીન અધિકારી સંમેલન' (ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ)ની ઉજવણીનો પ્રારંભ વર્ષ ૧૯૨૧થી કરવામાં આવ્યો હતો.

છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંમેલનો અંતર્ગત લોકશાહી પ્રણાલિકાને મજબૂતાઈ આપવાની દ્રષ્ટિથી નવા વિચારો અને નવી પ્રણાલીકાના અનુભવોનું આદાન પ્રદાન કરવાની સાથે આ મંચ અત્યંત પ્રભાવશાળી સાબિત થયો છે.

આ વર્ષે આ સંમેલનનો વિષય છે 'સબળ લોકશાહી માટે વિધાયિકા- કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય' કરવો. આ સંમેલન અંતર્ગત અનેકવિધ પ્રવર્તમાન વિષયો પર વિચારવિમર્શ માટે ત્રણ અલગ અલગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભાના પ્રિસાઇડિંગ અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં પ્રજાતંત્રને વધુ સશકત બનાવવા માટે શાસનના ત્રણેય મૂળભૂત અંગો - સંસદ - વિધાનસભા - વહીવટીતંત્ર તથા ન્યાયતંત્રની વચ્ચે પારસ્પરિક સહયોગ, સામંજસ્ય તથા વધુ સુદ્રઢ સંકલનની જરૂરિયાતો સંદર્ભે વિચાર કરશે.

આ સંમેલનમાં સંસદ - વિધાનસભા અને વહીવટીતંત્રને પ્રજા પરત્વેની બંધારણીય જવાબદારીને વધુ અસરકારક ઢબે સુનિશ્ચિત કરવા પ્રત્યે પણ ભાર મૂકવામાં આવશે. બે દિવસીય સંમેલનનો સમાપન સમારોહ તા.૨૬ના 'સંવિધાન દિવસ'ના દિને હશે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સમાપન સમારોહને વર્ચ્યુલ માધ્યમથી સંબોધન કરશે.

આ પ્રસંગે તમામ ઉપસ્થિતો વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં બંધારણની પ્રસ્તાવના - આમુખનું ઉચ્ચારણ પણ કરશે. આ ઉપરાંત પ્રિસાઇડિંગ ઓફિસર્સ, સચિવો તેમજ સંસદ- વિધાનસભાના અધિકારીઓ બંધારણના મૂલ્યોને વધુ સબળ, સશકત તથા જવાબદારીપૂર્વક વહન કરવાનો સંકલ્પ પણ લેશે. આ સંમેલન અંતર્ગત એક ઘોષણાપત્ર જારી કરવામાં આવશે અને બાદમાં તેનું સમાપન થશે.

આ સંમેલનની સૌથી મોટી વિશેષતા અને સફળતા એ છે કે દેશના રાષ્ટ્રપતિશ્રી  સૌપ્રથમ વખત કોઇ જાહેર કાર્યક્રમમાં આ પ્રકારે સામેલ થઈ રહ્યા છે.

આ સંમેલન અંતર્ગત કેવડિયામાં 'બંધારણ અને મૂળભૂત ફરજો'ના વિષય પર આધારિત એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન સંમેલનની પૂર્ણાહુતિ બાદ સાત દિવસ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. વડાપ્રધાનશ્રી પણ સૌપ્રથમ વખત આ સંમેલનનો હિસ્સો બની રહ્યા છે. આ પ્રસંગે વિવિધ પ્રિસાઇડિંગ ઓફિસર્સ દ્વારા સ્ટડી-પ્રેઝન્ટેશન રજૂ કરાશે.

(1:23 pm IST)