ગુજરાત
News of Tuesday, 24th November 2020

વડોદરા મ્યુઝિયમનું ૧૪૦ વર્ષ જૂનું પેઇન્ટિંગ 'કોરોના' બન્યું આકર્ષણ

વડોદરા તા. ૨૪ : સામાન્ય રીતે લોકોમાં કોરોનું નામ સાંભળતાની સાથે જ એક પ્રકારનો ભયનો માહોલ ઉભો થઈ જતો હોય છે. પરંતુ વડોદરા શહેરના મ્યુઝિયમમાં ૧૪૦ વર્ષ જૂનું કોરોના પેઈન્ટંગ એકાએક ચર્ચામાં આવ્યું છે, અને હવે લોકોને પોતાની તરફ ખૂબ આકર્ષી રહ્યું છે.

વડોદરા શહેરમાં ગાયકવાડી સમયની બેશ કિંમતી અને ઐતિહાસિક ઇમારતો આવેલી છે. પરંતુ હાલના સમયમાં લોકો વડોદરા મ્યૂઝિયમની મુલાકાત લેવા માટે પડાપડી કરી રહ્યા છે. જેનું મૂળ કારણ છે ૧૪૦ વર્ષ જૂનું કોરોના પેઈન્ટિંગ. વડોદરા મ્યૂઝિયમમાં ૨૧૦ જેટલા યુરોપિયન પેઈન્ટિંગનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પરંતુ ૧૪૦ વર્ષ પહેલાં ખ્યાતનામ આર્ટિસ્ટ ચાર્લ્સ એડવર્ડ પેરુઝીનીએ બનાવેલું તેની પત્નીનું આ પેઈન્ટિંગ કોરોના મહામારી વચ્ચે નાગરિકોને ખૂબ આકર્ષિત કરી રહ્યું છે. આર્ટિસ્ટની પત્ની કેટ દેખાવમાં ખૂબજ સુંદર હતી. ત્યારે આર્ટિસ્ટે પત્ની કેટના મોહક સ્વરૂપને તાજ સાથે સરખાવીને આ પેઈન્ટિંગને કોરોના નામ આપ્યું હતું.

આ પેઈન્ટિંગ વિશે મ્યૂઝિયમના કયૂરેટર વિજય પટેલ જણાવે છે કે, સહેલાણીઓ વડોદરા મ્યૂઝિયમની મુલાકાત લેવા આવે છે, ત્યારે તેમને આ પેઈન્ટિંગ ખૂબ આકર્ષિત કરે છે અને જયારે લોકો પેઈન્ટિંગનું નામ કોરોના લખેલું જુએ છે ત્યારે તેમને ખૂબ જ આશ્ચર્ય થાય છે. દરેકના મનમાં બસ એક જ સવાલ થાય છે કે ૧૪૦ વર્ષ પહેલાં આર્ટિસ્ટે આ પેઈન્ટિંગનું નામ કોરોના કઈ રીતે આપ્યું હશે. હાલ ચાલી રહેલી કોરોના મહામારીના નામ સાથે મળતા નામના કારણે આ કોરોના પેઈન્ટિંગ ખૂબ પ્રચલિત થયું છે અને આ પેઈન્ટિંગની હાલી બજાર કિંમત ૮ કરોડની આસપાસની હોવાનું કહેવાય છે.

૧૪૦ વર્ષ પહેલાં મહારાજાએ ૫૪ પાઉન્ડમાં આ પેઈન્ટિંગ ખરીદ્યું હતુ. મ્યુઝિયમમાં ૨૧૦ જેટલા યુરોપિયન પેઈન્ટિંગનો સંગ્રહ કરાયો છે. ૧૯૬૦માં આ કોરોના પેઈન્ટિંગની કિંમત ૧ લાખ હતી, હાલની બજાર કિંમત આશરે ૮ કરોડ જેટલી છે. પેઈન્ટિંગમાં દર્શાવવામાં આવેલી આ યુવતી ખ્યાતનામ આર્ટિસ્ટ ચાર્લ્સ એડવર્ડ પેરુઝીનીની પત્ની કેટ છે. પેઇન્ટીંગની સાઈઝ ૬૩.૫*૪૪.૫ સેન્ટિમીટર છે.

(3:31 pm IST)