ગુજરાત
News of Tuesday, 24th November 2020

અમદાવાદના પોઝિટિવ દર્દીઓની સારવાર વડોદરાની હોસ્પિટલમાં કરાશે : ૧૦૦ બેડની વ્યવસ્થા

રાજકોટ તા. ૨૪ : અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસ મામલે વડોદરામાં ૧૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. અમદાવાદના કોરોના પોઝિટિવ દર્દીઓને વડોદરા લાવી સારવાર અપાશે. આજવા ગામમાં આવેલી પાયોનિયર ગ્રૂપની ન્યૂ લાઈફ હોસ્પિટલમાં ૧૦૦ બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે. હોસ્પિટલમાં પથારી, તબીબો, નર્સિંગ સહિત સ્ટાફ તૈયાર કરાઈ છે.

હોસ્પિટલમાં ઓકિસજન લાઈન અને વેન્ટિલેટરની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. શહેરના ૪૨ તબીબોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલાતા વડોદરામાં સ્થિતિ બગડી શકે છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ કેસોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે.

સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નવા દર્દીઓ માટે બેડ ખુટી પડ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં બેડ ખાલી નહીં હોવાથી હવે આણંદ, કરમસદ કે ગાંધીનગરની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદના કોરોના દર્દીઓ છેક વડોદરા સુધી લંબાશે.

(3:32 pm IST)