ગુજરાત
News of Tuesday, 24th November 2020

હાશ... ડુંગળી - બટેટામાં કિલોએ રૂ.પ ઘટયા

લીલા શાકભાજીના ભાવો ઘટતા ડુંગળી-બટેટાની ડીમાન્ડ ઘટતા ભાવો તૂટયાઃ નવી આવકો વધતા હજુ પણ ભાવો ઘટે તેવી શકયતા : ડુંગળી એક કિલોના ભાવ ઘટીને ૭૫થી ૫૦ તથા બટેટાના ભાવ ઘટીને ૪૫થી ૪૦ રૂ.થઇ ગયા

રાજકોટ, તા.૨૪: કોરોનાના કહેર વચ્ચે મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે ગરીબ વર્ગથી શ્રીમંતવર્ગ માટે રોજીંદા વપરાશ સમાન ડુંગળી અને બટેટામાં કિલોએ પ રૂ. ઘટતા તેમજ લીલા શાકભાજીના ભાવો પણ ઘટી જતા ગૃહિણીઓમાં રાહત ફેલાઇ છે.

દિપાવલીના તહેવારો બાદ લીલા શાકભાજીની પુષ્કળ આવકો શરૂ થતા ડુંગળી-બટેટાના ઘટી રહ્યા છે. વેપારી પ્રફુલ્લભાઇ રંગાણીના જણાવ્યા મુજબ ડુંગળી અને બટેટામાં કિલોએ પ રૂ.નો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં આવકો વધતા હજુ પણ ભાવો ઘટે તેવી શકયતા છે.

બટેટા પોખરાજ ૨૦ કિલોના ભાવ ૬૦૦થી ૬૫૦ રૂ. હતા તે ઘટીને ૫૦૦ થી ૫૮૦ રૂ.થઇ ગયા છે. જયારે બટેટા બાદશાહ ૨૦ કિલોના ભાવ ઘટીને ૫૦૦ થી ૬૮૦ રૂ. થઇ ગયા છે. બટેટામાં ૨૦ કિલોએ ૪૦થી ૬૦ રૂ.નો ભાવ ઘટાડો થયો છે. હોલસેલમાં બટેટા ૧  કિલોએ ર થી ૪ રૂ. અને છુટકમાં પ રૂ.નો ભાવ ઘટાડો થયો છે. બટેટા એક કિલોના ભાવ ૫૦ રૂ. હતા તે ઘટીને ૪૫ રૂ. અને ૪૫ રૂ.કિલો વેચાતા બટેટાના ભાવ ઘટીને ૪૦ રૂ.થઇ ગયા છે.

તેમજ ડુંગળીમાં પણ છુટકમાં ૧ કિલોએ પ રૂનો ઘટાડો થયો છે. ડુંગળી () એક મણના ભાવ ઘટીને ૫૦૦થી ૮૦૦ રૂ. થઇ ગયા છે. જયારે નવી ડુંગળી એક મણ (૨૦ કિલો)ના ભાવ ઘટીને ૭૦૦ થી ૧૦૦૦ રૂ.થઇ ગયા છે. ડુંગળીમાં ૨૦ કીલોએ ૧૦૦થી ૧૫૦ રૂ.નું ગાબડુ પડયું છે. જયારે છૂટકમાં પ રૂ.ભાવ ઘટયા છે. અગાઉ છુટકમાં ડુંગળી એક કિલો ૮૦ થી ૧૦૦ રૂ.માં વેચાતી હતી તે ઘટીને ૫૦ થી ૭૫ રૂ.થઇ ગયા છે. બટેટા અને ડુંગળીના કવોલીટીવાઇઝ અલગ અલગ ભાવો લેવાતા હોય છે.

અત્રે એ નોંધનીય છે કે, ડુંગળી અને બટેટાના ભાવો આસમાને પહોંચતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો. જો કે દિવાળી બાદ લીલા શાકભાજીની આવકો વધતા અને લીલા શાકભાજીના ભાવો ઘટીને તળીયે પહોંચી જતા ડુંગળી અને બટેટાની ડીમાન્ડ ઘટતા ભાવો ઘટયા છે. આગામી દિવસોમાં નવા બટેટા અને ડુંગળીની આવકો વધતા હજુ પણ ભાવો ઘટશે તેમ વેપારી સૂત્રોએ જણાવ્યું હતું.

(3:33 pm IST)