ગુજરાત
News of Tuesday, 24th November 2020

પાટણ જીલ્લામાં ૪૪, સિધ્ધપુરમાં ર૦ કોરોના કેસઃ તર્પણ તિર્થમાં તકેદારી રાખવા આદેશ

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ર૪: દિવાળી પછી કોરોનાએ જાણે આતંકી સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ સંક્રમણ સતત વધતાં દરરોજ ડબલ આંકડામાં દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. આજે પાટણ જીલ્લામાં નવા ૪૪ કેસ અને સિધ્ધપુરમાં ર૦ કેસ આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. જીલ્લામાં તહેવારો ટાણે આવનજાવન બેફામ બનતાં અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સાથે માસ્ક નહિં પહેરવાને કારણે જાણે કોરોનાને ખુલ્લું આમંત્રણ મળ્યું હોય તેમ કેસો સામે રહ્યા છે.

કારતક સુદ એકમથી કારતક સુદ પુનમ સુધી સરસ્વતી નદીના કાંઠે તર્પણ વિધિનું ખુબ મહત્વ રહેલું છે. જેના કારણે આ સમયગાળા દરમ્યાન સિદ્ધપુરના બિંદુ સરોવર તથા માધુ પાવડિયા ઘાટ ખાતે રાજયભરમાંથી હજારો લોકો તર્પણ વિધિ માટે આવતા હોય છે. હાલ જિલ્લામાં વધી રહેલા કોવિડ-૧૯ના કેસોને ધ્યાને લઇ આ સ્થળોએ કોવિડ ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત થાય તે માટે જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. કે. પારેખે રૂબરૂ મુલાકાત લીધી હતી.

બિંદુ સરોવર તથા માધુ પાવડિયા ઘાટ ખાતે તર્પણ વિધિ માટે આવતા લોકો તથા પંડિતોને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે નિયમોનું પાલન કરવા આદેશ કર્યો હતો.

(3:34 pm IST)