ગુજરાત
News of Tuesday, 24th November 2020

અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારનાં ‘કાસવ્યો’ ફલેટમાં એક સાથે ૪૦ કોરોના પોઝીટીવ કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામઃ ફલેટ ધારકોનું મેડિકલ ચેકઅપ

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના ફરી એકવાર કેસમાં સતત વધારો જોવા મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે. આ સાથે જાહેરમાં માસ્ક વિના ફરનાર લોકો સામે 1 હજાર રુપિયાનો દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા જ બોપલના સફલ પરિસરમાં સાગમટે 80 જેટલા કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે વસ્ત્રાપુરમાં આવેલ કાસવ્યો ફલેટમાં 40 કેસ સામે આવતા તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. તમામ ફલેટને હાલ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂક્વામાં આવ્યો છે. ત્યારે આજે એએમસીની ટીમ દ્વારા કાસાવ્યોમા ફ્લેટ ખાતે એગ્રેસીવ ટેસ્ટીંગ હાથ ધરાયું છે.

શહેરમાં સતત કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. દર્દીઓ અને ઉપલબ્ધ બેડની સંખ્યા મામલે તંત્રના દાવા શંકાના દાયરામાં આવ્યા છે. તંત્રના ચોપડે શહેરમાં એક્ટીવ કેસની સંખ્યામાં માત્ર 2840 છે, જ્યારે કે ઉપલબ્ધ બેડ મામલે તંત્રના મોટા દાવા કંઈક અલગ છે. મે-જૂનમાં એક્ટિવ કેસોની સંખ્યા 5200 ઉપર હતી. આ પરિસ્થિતિ વચ્ચે પણ દર્દીઓને અમદાવાદમાં જ સારવાર અપાતી હતી. જ્યારે કે, હાલમાં એક્ટિવ કેસ માત્ર 2840 છે. તો શા માટે અમદાવાદના દર્દીઓને ખેડા, આણંદ કે કરમસદ મોકલાઇ રહ્યા છે? હાલ આ મામલે તંત્રના એકેય અધિકારીઓ કશું પણ કહેવા તૈયાર નથી.

આઈસીયુમાં વગર વેન્ટિલેટર 388 દર્દીઓ દાખલ છે અને 11 બેડ ખાલી છે

આઇસીયુ વિથ વેન્ટિલેટરમાં 168 દર્દીઓ દાખલ છે અને 11 બેડ ખાલી છે

એએમસી ક્વોટામાં ગઈકાલે સાંજે સાત વાગ્યા સુધી 772 બેડ ખાલી હતા

(5:38 pm IST)