ગુજરાત
News of Tuesday, 24th November 2020

ભાજપના વધુ એક નેતાને કોરોના વળગ્યો : પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

હોમ ક્વોરેન્ટાઇન થયા: સંપર્કમાં આવનારા બધા લોકો તેમના ટેસ્ટ કરાવી લેવા સલાહ

અમદાવાદ : ભાજપના વધુ એક નેતાને કોરોના થયો છે. ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાના પગલે તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસ દરમિયાન તેમના સંપર્કમાં આવનારા બધા લોકો તેમના ટેસ્ટ કરાવી લે અને કોરોનાના લક્ષણો જણાય તો તેઓ પણ હોમ ક્વોરેન્ટાઇન થાય.

ભાજપને આમ પેટાચૂંટણી વખત સભાઓ યોજવાના તાયફા મોંઘા પડી રહ્યા છે. તેના એક પછી એક નેતાઓ કોરોનાની પક્કડમાં આવી રહ્યા છે. આ પહેલા સવારે ભાજપ સરકારના મંત્રી વિભાવરીબેન  દવેએ પોતે ટવીટ કરી જણાવ્યું હતું કે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ જો કે હોસ્પિટલમાં દાખલ થયા નથી પરંતુ ઘરે રહીને સારવાર લઈ રહ્યા છે. તેમના સંપર્કમાં આવનારાઓને પણ તેમણે ટેસ્ટ કરાવવા કહ્યું હતું.

 

આ ઉપરાંત સુરતના મેયર ડો. જગદીશ પટેલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ પણ હોમ ક્વોરેન્ટાઇન થયા છે અને તેમની તબિયત હાલમાં સારી છે અને તે પંદર દિવસ આઇસોલેશનમાં ગાળશે તથા ઘરે રહીને સારવાર કરશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત ભાજપના જ અન્ય એક આગેવાન નરેન્દ્ર સોની પણ કોરોના પોઝિટિવ થયા છે, તેના પગલે તેઓ પણ હોમ ક્વોરેન્ટાઇન થયા છે. એક સપ્તાહ પહેલા તેમના પિતા કોરોના પોઝિટિવ થયા હતા.

આમ ગુજરાતની પેટાચૂંટણી પૂરી થયા પછી અને તેના વિજયની ઉજવણી પૂરી થયા પછી રાજ્યના એક પછી એક પ્રધાનો અને વિધાનસભ્યો કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે.

(6:35 pm IST)