ગુજરાત
News of Thursday, 24th November 2022

૧૯૬૨માં પ્રથમ ચૂંટણીમાં ૯૫ લાખ મતદારો હતા, આજે ૪.૯૦ કરોડ

આયા ગુજરાત કે લોકતંત્ર કા પર્વ, હમે ઇસ અવસર પર હોતા મહાગર્વ : તે વખતે ૧૫૪ બેઠકો હતી, અત્‍યારે ૧૮૨ : ૬૨ વર્ષ પહેલાના ૧૦૯૬૦ મતદાન કેન્‍દ્રોની સામે આ વખતે ૫૧૭૮૨

રાજકોટ તા. ૨૪ : રાજ્‍યમાં ૧૫મી વિધાનસભાની રચના માટે ચૂંટણી પ્રક્રિયાના ઢોલ વાગી ચૂક્‍યા છે. પહેલા તબક્કાની ૮૯ બેઠકોના મતદાન આડે ૬ દિવસ રહ્યા છે. ગુજરાતની ચૂંટણીનો ઇતિહાસ રસપ્રદ છે. તા. ૧ મે ૧૯૬૦ના રોજ રાજ્‍યની સ્‍થાપના થયા બાદ પ્રથમ ચૂંટણી ૧૯૬૨માં થયેલ. તે વખતના અને અત્‍યારના ચૂંટણીલક્ષી આંકડાકીય ચિત્રમાં અને રાજકીય માહોલમાં ધરખમ ફેરફારો થઇ ગયા છે.

૧૯૬૨માં પ્રથમ ચૂંટણી વખતે અનામત કક્ષાની ૩૨ સહિત કુલ ૧૫૪ બેઠકો હતી. અત્‍યારે ૨૦૨૨માં ૧૮૨ બેઠકો છે. તે વખતે ૯૫,૩૪,૯૭૪ મતદારો હતા તેની સામે અત્‍યારે ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો છે. પ્રથમ ચૂંટણીમાં ૫૭.૯૭ ટકા લોકોએ મતદાન કર્યું હતું તે ચૂંટણીમાં કોંગ્રેસ, જનસંઘ, રામરાજ્‍ય પરિષદ, નૂતન ગુજરાત પરિષદ સહિત ૧૦ પક્ષો અને અપક્ષો મેદાનમાં હતા. ૨૦૨૨ની વર્તમાન ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એનસીપી, બીટીપી સહિત ૧૦થી વધુ પક્ષો અને સંખ્‍યાબંધ અપક્ષો ચૂંટણી લડી રહ્યા છે.

૧૯૬૨માં ૧૦,૯૬૦ જેટલા મતદાન કેન્‍દ્રો હતા. મતદારોની સંખ્‍યા વધવાની સાથે મતદાન કેન્‍દ્રોની અને ચૂંટણીમાં રોકાયેલ સ્‍ટાફની સંખ્‍યામાં ધરખમ વધારો થયો છે. ૨૦૨૨ની ચૂંટણીમાં ૫૧,૭૮૨ મતદાન કેન્‍દ્રો છે. અત્‍યારે સમયની માંગ મુજબ ચંૂટણી પંચે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધાર્યો છે. ચૂંટણી વખતે ઓનલાઇન ફરિયાદનો ૧૦૦ મીનીટમાં નિકાલ થાય તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. પ્રથમ ચૂંટણીમાં જનસંપર્ક અને જનસભા તે બંને પ્રચારના મુખ્‍ય માધ્‍યમ હતા. હાલની ચૂંટણીમાં આ બંને માધ્‍યમ ઉપરાંત અખબારો, ચેનલો, સોશ્‍યલ મીડિયા, બેનર, હોર્ડીંગ, મોબાઇલ ફોન વગેરે દ્વારા ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે. હાલ ઉમેદવાર દીઠ મહત્તમ ૪૦ લાખના ખર્ચની મર્યાદા છે. ઉમેદવાર કેટલો ખર્ચ કરે છે તે બાબત ખાનગી નથી.

(11:58 am IST)