ગુજરાત
News of Thursday, 24th November 2022

પર્યટન, પર્યાવરણ, પાણી, પશુધન અને પોષપ આ પાંચ ‘પ'ની દિશામાં ખૂબ જ આગળ વધવુ જોઇએઃ નરેન્‍દ્રભાઇ મોદી

આ ચૂંટણી આગામી 25 વર્ષ કેવા હશે તે નક્કી કરશેઃ પાલનપુરમાં જાહેરસભા સંબોધતા વડાપ્રધાન

પાલનપુરઃ પાલનપુરમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જાહેરસભા સંબોધી હતી અને પાંચ ‘પ'ની વાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં જનસભા સંબોધતી વખતે PM મોદીએ કહ્યુ કે, આ ચૂંટણી આગામી 25 વર્ષ ગુજરાતના કેવા હશે તે નક્કી કરવા માટેની ચૂંટણી છે. આ દરમિયાન પીએમ મોદીએ પાલનપુરમાં પાંચ ‘પ’ની વાત કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આ ચૂંટણી કોણ ધારાસભ્ય કે કોની સરકાર બને તે માટેની પરોજણની ચૂંટણી નથી. આ ચૂંટણી તો આગામી 25 વર્ષ ગુજરાતના કેવા હશે તે નક્કી કરવા માટેની ચૂંટણી છે. પીએમ મોદીએ કહ્યુ કે, પાલનપુર આવ્યો છુ એટલે પાલનપુરનો ‘પ’ અને બીજા પાંચ ‘પ’ની વાત કરવી છે. આ પાંચ ‘પ’ એટલે પર્યટન, પર્યાવરણ, પાણી, પશુધન અને પોષણ.

પર્યટન:

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આજે દુનિયામાં પર્યટન ઉદ્યોગ ખુબ તેજ ગતિથી ફલતો ફૂલતો ઉદ્યોગ છે. દુનિયા એટલી નાની થઇ ગઇ છે અને લોકો દુનિયાના એક છેડેથી બીજા છેડે ઉતાવળા થયા છે, આતુર થયા છે, કોરોનાના 2-3 વર્ષ એવા ગયા કે બધુ અટકી ગયુ, હવે જબરજસ્ત ઉપાડ આવ્યો છે, હવે જે ઉપાડો આવ્યો છે હું જોવુ છુ કે બદ્રિનાથ-કેદારનાથમાં બધા રેકોર્ડ તૂટી જાય છે. વધુમાં પીએમ મોદીએ કહ્યુ કે, 2004માં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ વાઇબન્ટ ગુજરાતની સમિટમાં આવ્યા હતા, તેમણે કહ્યુ કે ભારત પાસે આટલી બધી વિરાસત હોય અને ભારત ટૂરિઝમમાં 30માં નંબર પર હોય ત્યારે તેને બદલવુ જોઇએ. પીએમ મોદીએ કહ્યુ કે, આપણે વિકાસની નવી સંભાવના ઉભી કરી છે. ધરોઇ, માં અંબા, માં નડાબેટ, પાટણની વાવ અને કચ્છનું રણ. આપણી પાસે શું નથી. ગબ્બર પર લાઇટ એન્ડ સાઉન્ડનો કાર્યક્રમ શરૂ કર્યો જેને કારણે ગબ્બર પર લોકોના બેસવાની જગ્યા પણ નથી હોતી. માં અંબાનું ધામ બદલાઇ રહ્યુ છે.

સરદાર પટેલનું સ્ટેચ્યૂ બન્યુ તે સરદાર સરોવરમાં નર્મદાનું પાણી હતુ. આજે દુનિયાભરના ટુરિસ્ટો ત્યા આવે છે તો મારા ધરોઇમાં ટુરિસ્ટો કેમ ના આવે. ધરોઇમાં મોટી તાકાત છે, ધરોઇથી અંબાજી સુધી, ઇકો ટુરિઝમ એડવેન્ચર, સાઇકલ ટુરિઝમ બહુ મોટુ ગુજરાતના જુવાનિયાઓને આકર્ષે તેવુ છે. ધરોઇમાં 1100 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવાનું ગુજરાત સરકારે નક્કી કર્યુ છે.

બદ્રીનાથ ગયો હતો, ચીનની સરહદ પર માણા ગામ છે, માણા ગામના લોકોને ભેગા કર્યા અને કહ્યું નડાબેટ જોવા જાવો અમે ત્યા કેવુ ડેવલપમેન્ટ કર્યુ છે તેવુ ચીનની સીમા પર કરવુ છે. વાઇબ્રન્ટ વિલેજ અમારી યોજના છે. કચ્છ, પાટણ કે બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામના વિકાસ માટે જહેમત ઉપાડી છે. કચ્છના રણ ઉત્સવનો પણ મોટો લાભ આપણને મળી રહ્યો છે, પાટણની રાણકી વાવની દુનિયામાં ગુંજ છે. સ્ટેચ્યુ ઓફ યૂનિટી આર્થિક સ્થિતિ બદલવાનું કાર્ય બન્યુ. પર્યટન આખુ ઉત્તર ગુજરાત ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાનું એવુ માળખુ બની શકે તે માટે એક પછી એક પગલા લેવામાં આવ્યા.

વધુમાં ટૂરિઝમ પર વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, આપણે 500 રૂમની હોટલ બનાવવી હોય તો કરોડો રૂપિયા જોઇએ, અમે હોમ સ્ટેનું અભિયાન ચલાવ્યું. સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં લોકોએ એક રૂમ ગેસ્ટ હાઉસ જેવો બનાવી દીધો છે, તેમાં સરકારે મદદ પણ કરી છે. આજે 500 ઓરડાના રૂમ લોકોને રહેવા માટે મળે છે અને તેને કારણે કમાણી પણ થાય છે, ચા-નાસ્તો, ભોજન અને ઘરનું ખાવાનું મળે છે. કેટલાકે તો હોમ સ્ટેની સાથે ટેક્સી પણ રાખી છે.

પર્યાવરણ:

પર્યાવરણની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આપણે જ્યારે રાધનપુર પાસે સોલાર પાર્ક બનાવ્યો ત્યારે લોકોને આશ્ચર્ય થતુ હતુ અને પછી લોકો જોવા આવતા હતા. એક દિવસ એવો હશે જે આપણુ ગુજરાત હાઇડ્રોજનનું હબ બનવાનું છે. ગ્રીન હાઇડ્રોજન પેદા કરવા માટે સોલાર એનર્જીનું મોટુ અભિયાન ચલાવવા માંગી રહ્યા છીએ. આવનારા દિવસોમાં તમારી ગાડી પેટ્રોલ-ડીઝલથી ચાલે છે તે ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી થશે.

ગાય-ભેસ, દૂધના પૈસા મળતા હતા હવે એના છાણ મૂત્રમાંથી પણ આવક થાય બાયો વેસ્ટમાંથી પણ આવક થાય ખેતરમાં લણી લીધા પછી પણ ઠુંઠા પડ્યા હોય તેમાંથી પણ કમાણી થાય, તમારા વાહનની અંદર 20 ટકા બાયો ફ્યૂઅલ હશે. પર્યાવરણની ઇકો સિસ્ટમ બનાસકાંઠામાં, કચ્છ અને પાટણમાં ઉભી થઇ રહ્યુ છે.

પાણી:

પીએમ મોદીએ પાણીની વાત કરતા કહ્યુ કે, ઉત્તર ગુજરાતમાં લોકો પાણી માટે વલખા મારતા હતા, જ્યારે સુજલામ-સુફલામની વાત લઇને આવ્યો ત્યારે મારી મજાક ઉડાવતા હતા. શરૂઆતમાં બધાને આશ્ચર્ય થયુ પણ આજે સુજલામ-સુફલામનું પાણી આવી ગયુ. આવનારા દિવસોમાં પણ પાણીના તળ નીચે જઇ રહ્યા છે અને તેને ઉપર લાવવામાં સફળતા મળી રહી છે. લીલોતરીની સંભાવના વધી છે, વરસાદની સંભાવના વધી છે. ટુંકા ગાળામાં હરણફાળ ભરી છે તેના મૂળમાં બે બાબત ખાસ છે પાણી અને વીજળી.

પશુધન:

વડાપ્રધાન મોદીએ પશુધનની વાત કરતા કહ્યુ કે, આપણા પશુધનને સમૃદ્ધ બનાવવા માટે આપણે એના ગર્ભાધાનથી માંડીને આધુનિક ટેકનોલોજીથી કામ કરી રહ્યા છીએ અને પશુને બચાવી શકાય અને પશુ વધુ દૂધ આપતુ થાય. ડેરી તેના કારણે મોટી તાકાત પણ બનતી જાય છે. માતા-બહેનોને પણ ડેરીના પૈસા સીધા મળી રહ્યા છે. હું આ દેશના પશુઓનું ટીકાકરણ પણ મફતમાં કરી રહ્યો છું. આ પશુની બીમારીથી હિન્દુસ્તાનને મુક્ત કરવુ છે.

પોષણ:

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આપણી 12-15 વર્ષની દીકરી થાય અને શારીરિક વિકાસ ના થાય અને તે માં બને તો તેના સંતાનને ઉછેરવામાં જ આખી જીંદગી જતી રહે છે. આ મારી દીકરીઓની જીંદગી ના બગડે તે માટે તેમના શરીરની તપાસ કરાવીને, બ્લડની તપાસ કરાવીને તેમનામાં શું ઉણપ છે અને તેમણે ક્યા પ્રકારની ગોળી આપવી તેવુ કામ ઉપાડ્યુ છે. પોષણ માટે ચિરંજીવી યોજના ચલાવી. દાંતા-અંબાજી પંથકમાં મફતમાં દૂધ આપવાની વ્યવસ્થા કરી.

કોરોના મહામારીના સંઘર્ષને યાદ કરતા પીએમ મોદીએ કહ્યુ કે, આપણે પ્રયાસ એ કર્યો કે કોરોના કાળની અંદર ગરીબના ઘરનો ચુલો ના ઓલવાવો જોઇએ, કપરા દિવસો હતા દુનિયાભરમાં મહામારી આવી હતી. આખી દુનિયામાં સંકટ કેટલુ મોટુ હતુ, આ સમયમાં ગરીબના ઘરમાં ચુલો ના સળગે તો મોટી મુશ્કેલી આવે, 80 કરોડ લોકોને મફત અનાજ પહોચાડવાનું કામ કર્યુ છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યુ કે, વિકાસ આગળના 25 વર્ષ કેવા હોય તમે આ વખતે વોટ આપવા જાવ તો તમારા 25 વર્ષનો પણ વિચાર કરજો. ગુજરાતના 25 વર્ષ ઉજ્જવળ હોય તો તમારા 25 વર્ષ ઉજ્જવળ, એટલા માટે મારે વિકાસના કામ કરવા છે. લોજિસ્ટિક સપોર્ટ માટેની વ્યવસ્થા ચાલી રહી છે. આપણા આખા બનાસકાંઠાને લોજિસ્ટિક સપોર્ટ મળવાનો છે. વેર હાઉસ, મોટા ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ બનવાના છે. આખા ઉત્તર ભારતનો દરિયા તરફ કંડલા કે મુંબઇ પોર્ટ પર જતો સામાન માટે લોજિસ્ટિક સપોર્ટ જરૂરી છે અને પાલનપુર તેનું હબ બનશે.

બનાસકાંઠામાં 100 ટકા કમળ ખીલાવો

વડાપ્રધાન મોદીએ અંતે 100 ટકા મતદાનની વાત કરતા કહ્યુ કે, બનાસકાંઠામાં 100 ટકા કમળ ખીલવો, ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવો, મોટુ પરિવર્તન આવશે. બધા પોલિંગ બુથ ઉપર પહેલા કરતા વધારે મતદાન કરો, તમે લોકસભામાં મને ઘણા મત આપ્યા મારા તે રેકોર્ડને તમે તોડી નાખજો.

(5:57 pm IST)