ગુજરાત
News of Thursday, 24th November 2022

સુરતમાં આઇસર ચાલકે માતા અને બે પુત્રોને અડફેટે લેતા બંને બાળકોના ઘટના સ્થળે મોત

ઉધના બસ ડેપો નજીક મેઇન રોડ મહિલા બે બાળકોને શાળાએથી લઈ ઘરે જવા માટે ઓટો રીક્ષા માટે ઉભી હતી ત્યારે આઇસર ટેમ્પોના ચાલકે માતા સહિત બે પુત્રોને અડફેટે લીધા

સુરત શહેરના ઉધના વિસ્તારમાં કાળમુખી આઇસરના ચાલકે બેફામ રીતે વાહન હંકારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલા અને બે બાળકો આઇસરની અડફેટે આવ્યા હતા. જ્યાં નવ થી દસ વર્ષના બંને બાળકોનું ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અકસ્માતની જાણ થતાં ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

 

સુરતના ઉધના બસ ડેપો નજીક મેઇન રોડ એક મહિલા બે બાળકોને શાળાએથી લઈ ઘરે જવા માટે ઓટો રીક્ષા માટે ઉભી હતી તે દરમ્યાન પુરપાટ ઝડપે દોડી આવેલ આઇસર ટેમ્પોના ચાલકે માતા સહિત બે પુત્રોને અડફેટે લીધા.બેફામ બનેલા આઇસર ચાલકે ડ્રાઇવિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂલે જઈ રહેલા 9 થી 10 વર્ષના બે માસુમ બાળકો અને એક માતાને અડફેટે લેતા ત્રણેય ગંભીર રીતે ઘવાયા હતા. બંને બાળકોને માથાના ભાગે ઈજા પહોંચતા બંનેના માથા ફાટી ગયા હતા અને મોટા પ્રમાણમાં લોહી વહી જતા બાળકોના ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત માતાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

 

અકસ્માતને પગલે રોષે ભરાયેલા લોક ટોળાએ આઇસર ટેમ્પો માં તોડફોડ કરી હતી. તો બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને ટેમ્પા ચાલક તેમજ ક્લીનરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(7:12 pm IST)