ગુજરાત
News of Thursday, 24th November 2022

ભાદર કેનાલમાં મસમોટું ગાબડું: ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો: વહેલીતકે સમારકામ કરી પાણી છોડવા માંગ

--- મહિસાગર જિલ્લાનાં ખાનપુર, લુણાવાડા અને વીરપુર તાલુકામાંથી પસાર થતી ભાદર કેનાલમાં 70 ફૂટનું ગાબડુ પડ્યું

અમદાવાદ :સરકારના સિંચાઇ વિભાગ દ્વારા કેનાલ અને નહેરોના કામ માટે લાખો રૂપિયા ખર્ચમાં આવે છે. આમ છતા અવાર નવાર કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓ બની રહી છે ત્યારે ફરીવાર  ભાદર કેનાલમાં મસમોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે. કેનાલમાં ગાબડુ પડવાને કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

મળતી માહીતી મુજબ ભાદર કેનાલમાં મસ મોડુ ગાબડુ પડવાની ઘટના સામે આવી છે. મહિસાગર જિલ્લાનાં ખાનપુર, લુણાવાડા અને વીરપુર તાલુકામાંથી પસાર થતી ભાદર કેનાલમાં 70 ફૂટનું ગાબડુ પડ્યું છે. જેના કારણે આ વિસ્તારના ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વનું છે કે રવિ પાક માટે ભાદર ડેમમાંથી 63 ક્યુસેક પાણી ભાદર મુખ્ય કેનાલ મારફતે ખાનપુર અને લુણાવાડા તાલુકાની 8 હજાર હેકટર જમીનમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળી રહે તે માટે છોડવામાં આવ્યું હતું. તે દરમિયાન ખાનપુર તાલુકાના મેણા ગામ પાસે અંદાજે સિત્તેર ફૂટનું ગાબડું પડ્યું છે. તથા છોડવામાં આવેલું પાણી કોતર મારફતે ભાદર નદીમાં વહી ગયું છે.

હાલ રવિ પાકની સિઝન ચાલી રહી છે. અને કેનાલમાં ગાબડુ પડી જતા ખેડુતોમાં નુકશાનની ભીતી સેવાઇ રહી છે. જેથી વહેલી તકે કેનાલનું સમારકામ કરી અધિકારીઓ પાણી છોડે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. બીજી બાજુ અધિકારીને પૂછતા તેમણે કામ વહેલું થઈ જશે તેમ જણાવ્યું હતું. પરંતું વારંવાર ગાબડા પડવાની ઘટનાઓ સામે આવતા ભાદર કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થયું હોવાની અટકળો વધુ તેજ બની છે.

(8:04 pm IST)