ગુજરાત
News of Wednesday, 25th January 2023

BAMS અને BHMS ની ૧૨૦૦ બેઠકો હજુ પણ ખાલી

ઓફલાઇન એડમીશનમાં પણ ના ભરાઇ બેઠકો

અમદાવાદ, તા.૨૫: ધ એડમીશન કમિટી ફોર પ્રોફેશ્‍નલ અંડરગ્રેજયુએટ મેડીકલ એજયુકેશન કોર્સીસ (એસીપીયુજીએમઇસી) એ જાહેર કર્યુ છે કે મંગળવાર સુધીમાં આયુર્વેદ અને હોમીયોપથી કોર્સમાં ઓફલાઇન એડમીશનના રાઉન્‍ડમાં હજુ પણ ૧૩૫૩માંથી બેઠકો ખાલી રહી છે.

એડમીશન માટેનો ચોથો રાઉન્‍ડ ૨૧ જાન્‍યુઆરીથી શરૂ થયો છે અને ૨૫ જાન્‍યુઆરી સુધી ચાલશે. કમિટીના ડેટા અનુસાર, બીએએમએસની ૫૩૭ અને બીએચએમએસની ૭૦૭ બેઠકો ભરવાની બાકી છે. એડમીશન પ્રક્રિયામાં ભાગ લેવા માટે સરકારે હાલમાં જ ૭ આયુર્વે અને એક હોમીયોપથી કોલેજને મંજુરી આપી છે. તેના લીધે આયુર્વેની ૪૭૦ અને હોમીયોપથીની ૧૦૦ બેઠકો ઉમેરાઇ છે.

કમીટીના સ્‍ટેટમેન્‍ટ અનુસાર, જે વિદ્યાર્થીઓએ પોતાને રજીસ્‍ટર્ડ કરાવી લીધા છે તેમણે ૨૫ જાન્‍યુઆરી સુધીમાં પોતાની સંમતિ આપવાની રહેશે. સુત્રોએ કહ્યું કે નર્સીગ અને અન્‍ય પેરામેડીકલ કોર્સો માટે સરકારે હાલમાં જ ૧૦૪ કોલેજોને પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપી છે.

સુત્રોએ કહ્યું કે રાજયમાં પેરા મેડીકલ કોર્સોની ૨૯,૦૦૦ બેઠકોમાંથી ૧૬,૦૦૦ બેઠકો પહેલા રાઉન્‍ડના અંત સુધીમાં ખાલી રહેવા છતા ૧૦૪ કોલેજોને મંજૂરી અપાતા વધુ ૪૦૦૦ બેઠકો ઉમેરાઇ છે. સુત્રોએ કહ્યું કે આટલી બધી બેઠકો ખાલી હોવા છતા વધુ ૧૦૪ કોલેજોને મંજૂરી આપવાનો નિર્ણય અતાર્કિક છે.

(1:37 pm IST)