ગુજરાત
News of Friday, 25th June 2021

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીનું મંદિર બે મહિના બાદ ખુલતા ભક્તોએ કાળીયા ઠાકોરના મનભરીને દર્શન કર્યા

મોડાસા:પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જેઠી પૂનમે મોટીસંખ્યામાં ભક્તોએ કાળીયા ઠાકોરના મનભરી દર્શન કર્યા હતા. જયારે આ મહિમાવંતી પૂનમે જેષ્ઠા સ્નાનને લઈ ગડાધર ભગવાન શ્રી વિષ્ણુજી ને કેસર,મોગરા યુક્ત શુધ્ધ ઠંડા જળથી સ્નાન કરાવી વિશેષ શણગાર સજાવાયા હતા. અને મોટીસંખ્યામાં ઉપસ્થિત શામળીયા ભક્તોએ આરતી,સ્નાન સહિતની વિશેષ પૂજા-અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

હિન્દુ સંસ્કૃતિ મુજબ વર્ષના ૧૨ માસમાં સૌથી મોટા અને જે માસની પૂનમે જયેષ્ઠા નક્ષત્ર આવે તેવા જયેષ્ઠ એટલે કે જેઠ મહિનામાં જળ,વૃક્ષ અને ભગવાન વિષ્ણુની પૂજાનું અનેરૂ મહત્વ શાસ્ત્રોમાં વર્ણવ્યું છે.

આ પવિત્ર એવા જેઠ માસમાં ગંગા સ્નાનનું પણ ખૂબ મહત્વ મનાય છેત્યારે આવા મહિમાવંતી જેઠ માસની જેઠી પૂનમે ભગવાન શામળીયાજી ને કેસર,મોગરા યુક્ત શુધ્ધ જળથી ભાવભેર સ્નાન કરાવાયું હતું. પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ના શ્રી ગડાધર વિષ્ણુ મંદિરે ભક્તોના ભગવાન શામળીયાજીને ઠંડા પાણીથી સ્નાન કરાવી અલંકાર યુકત શણગાર સજાવાયા હતા.જયારે આ પાવનકારી દર્શનનો મોટીસંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

(5:54 pm IST)