ગુજરાત
News of Friday, 25th September 2020

સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હકૂમત રૂા. ૧૦ લાખથી વધારી રૂ. ૨૫ લાખ કરાઈ : કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

આ સુધારાને કારણે અમદાવાદ સિટી સિવિલ કોર્ટ, રાજકોટ, સુરત અને વડોદરાની દિવાની કોર્ટના કેસોનું ભારણ ઘટશે અને લીટીગન્ટ્સને વધુ ઝડપી ન્યાય મળશે:સ્મોલ કોઝ કોર્ટ કાયદા (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૦ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર

અમદાવાદ : રાજયમાં હવે સીટી સિવિલ કોર્ટ અને અન્ય દિવાની કોર્ટોનું કામનું ભારણ ઘટે તથા લીટીગન્ટ્સને વધુ સરળતા સાથે ઝડપી ન્યાય મળે તે માટે નામ. હાઇકોર્ટની દરખાસ્ત અન્‌વયે સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હકૂમત રૂા. ૧૦ લાખથી વધારી રૂ. ૨૫ લાખ કરવા અંગેનું સુધારા વિધેયક સ્મોલ કોઝ કોર્ટ કાયદા (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૦ આજે વિધાનસભા ગૃહમાં કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રજૂ કર્યું હતું જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.
 આ સુધારા વિધેયક અન્વયે કાયદા મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે હાલની સરકારનું દ્રઢપણે માનવું છે કે સમયસર ન મળતો ન્યાય તે અન્યાય બરાબર છે. ગુજરાતમાં ગ્લોબલાઇઝશન અને ગુજરાત સરકારની ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે સ્થાવર અને જંગમ મિલ્કતોમાં વૃધ્ધિ થઇ છે અને તે વૃધ્ધિને કારણે સ્થાવર મિલ્કતોની કીંમતોમાં પણ અસામાન્ય વધારો થયો છે. રાજયમાં મહેસૂલી સરળીકરણની સરકારની નીતિના કારણે હાલમાં રાજ્યમાં ૩૩ જિલ્લાઓ બનેલા છે જે તમામ જિલ્લાઓને ન્યાયિક જિલ્લાઓ જાહેર કરવામાં આવ્યા છે.

 રાજયમાં કોર્ટોની સ્થિતિ સંદર્ભે મંત્રીશ્રીએ ઉમેર્યું કે હાલમાં ગુજરાત રાજ્યમાં કુલ ૧૧૭૬ કોર્ટો કાર્યરત છે જેમાં અનુક્રમે ૩૩ જિલ્લાઓમાં ૩૧૪ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજશ્રીઓની કોર્ટ, ૪૩૨ સીનીયર સિવિલ જજશ્રીઓની કોર્ટ્સ તથા ૪૩૦ સિવિલ જજ અને જે.એમ.એફ.સી કોર્ટો કાર્યરત છે તે ઉપરાંત રાજ્યમાં ૩૮ જેટલી ફેમીલી કોર્ટો છે. તેમજ રાજ્યના મજૂર કાયદાને અનુલક્ષીને કુલ ૧૪ અદ્યોગિક અદાલતો તથા ૪૪ મજૂર અદાલતો પણ કાર્યાન્વિત છે. બાળકો પરના અત્યાચાર માટે સ્પે. પોક્સો કોર્ટ તથા મહિલાઓ પરના દુષ્કર્મ માટે ૩૫ સ્પે. કોર્ટ, એન.ડી.પી.એસની સ્પે. કોર્ટૉ અને ઇલેક્ટ્રીસીટી એક્ટ માટેની સ્પે. કોર્ટ મળીને વિવિધ સ્પેશ્યલ કોર્ટો પણ સમયાંતરે કાર્યાન્વિત કરવામાં આવી છે. 
મંત્રીએ ઉમેર્યું હતું કે કોર્ટોમાં માળખાગત સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રકચર)માં વધારો કરવામાં આવેલ છે તેમ જ કોર્ટૉની કાર્યવાહી ઓનલાઇન કરવામાં આવે છે. રાજ્ય સરકાર તથા સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીના સંયુક્ત પ્રયત્નોથી લોક અદાલતોના માધ્યમથી કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવે છે તેમ જ રાજ્ય સરકાર દ્વારા જેલમાં રહેલા કેદીઓના કેસો ચલાવવા માટે અદ્યતન વિડિયો કોન્ફરન્સની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, કોર્ટ બિલ્ડીંગ અને જજશ્રીઓના આવાશ અંગે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય અને પૂરતું બજેટ ફાળવવામાં આવેલ છે. એ.પી.પી તથા એ.જી.પી ઓની કોર્ટની જરૂરિયાતને ધ્યાને રાખીને કુલ નવા ૩૭૪ એ.પી.પીશ્રીઓને નિમણૂક આપેલ છે.

  મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે રાજય સરકારના ઇનિશિએટીવ્સના કારણે ગુજરાત રાજ્યની તાબાની અદાલતોમાં પડતર કેસો જે તા.૦૧-૦૧-૨૦૧૭ ની સ્થિતિએ ૧૮,૯૬,૧૦૨ હતા તેમાં તા.૦૧-૦૧-૨૦૧૭ થી તા. ૩૧-૧૨-૨૦૧૯ ના ૦૩ વર્ષમાં ૩૮,૬૮,૫૨૭ કેસો નવા દાખલ થયેલા છે અને તેની સામે ૪૧,૯૭,૨૩૫ કેસોનો નિકાલ કરેલ છે. આમ તા. ૩૧-૧૨-૨૦૧૯ની સ્થિતિએ ગુજરાત રાજ્યની તાબાની અદાલતોમાં ૧૫,૬૭,૩૯૪ કેસો પડતર છે તેમ જાડેજાએ ઉમેર્યું હતું.
  મંત્રીએ જણાવ્યું હતું કે અગાઉ કાયદા વિભાગનું બજેટ સને ૨૦૦૩-૦૪ માં રૂ. ૧૪૦.૧૯ કરોડનું હતું જેમાં સતત વધારો થતો રહ્યો છે અને સને ૨૦૨૦-૨૧ માં રૂ. ૧૬૮૦.૮૦ કરોડ કરી તેમાં ૧૨૦૦ ટકાનો વિક્રમજનક વધારો કર્યો છે.

કેસો ઝડપથી ચાલે અને ટૂંકી ન્યાયિક પ્રક્રિયાથી આવા નાના વિવાદોનો ઝડપથી અંત આવે તે માટે આવા કેસો સંક્ષિપ્ત (સમરી ટ્રાયલ પ્રોસેસ) પ્રકારની ન્યાયીક પ્રક્રિયામાં ચલાવવી જરૂરી હોઇ આવા કેસો સ્મોલ કોઝ કોર્ટમાં ચલાવવા કાયદામાં જોગવાઇ કરવામાં આવી છે તેમ કહી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, આ સુધારાને કારણે લેણાંના દાવાઓ એટલે કે, money suit, ભાડા વાધારાના તથા ભાડુઆત અને માલિક વચ્ચેના મિલકતના કબ્જા તથા ભાડાના, તથા રૂ. ૧૦ લાખની કીંમતના સમરી દાવા, ઇલેકશન પીટીશનો તથા મ્યુનિસીપલ વેલ્યુએશન અપીલ જેવા કેસો ઝડપથી ચાલી શકશે અને હાલમાં સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હકૂમત વઘવાથી સીટી સિવિલ કોર્ટ અમદાવાદ તેમજ વડોદરા, સુરત અને રાજકોટ ખાતેની દીવાની અદાલતોનું ભારણ ઘટશે.

  મંત્રીએ ઉમેર્યું કે સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હુકુમત વધવાને કારણે સીટી સિવિલ કોર્ટ, અમદાવાદ અને રાજકોટ, સુરત અને વડોદરાની દિવાની અદાલતોમાંથી રૂ. ૨૫ લાખ સુધીના દાવાઓ સ્મોલ કોઝ કોર્ટમાં તબદીલ થશે. જેના કારણે સીટી સિવિલ અને દીવાની અદાલતમાં વારંવાર અન્ય કેસોના ભારણના કારણે મુદ્દતો પડતી હતી તે નિવારી શકાશે અને પક્ષકારોને સરળતાથી અને ઝડપથી ન્યાય મળશે. સીટી સિવિલ કોર્ટની તથા દિવાની અદાલતોની કાર્યવાહી કરતાં સ્મોલ કોઝ કોર્ટની સમરી પ્રકારના દાવાની ટ્રાયલ ચલાવવાની કાર્યવાહી ઝડપી હોવાને કારણે સ્મોલ કોઝ કોર્ટમાં કેસોનો ત્વરિત અને સરળતાથી નિર્ણય થઇ શકશે. આ વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતુ.

(8:32 am IST)