ગુજરાત
News of Friday, 25th September 2020

રાજય સરકાર દ્વારા 'સૂર્ય ગુજરાત' યોજના અમલમાં

સૂર્ય ઉર્જાનો વપરાશ કરતાં ગ્રાહકો દ્વારા વધારાની ઉર્જા વીજકંપનીઓને વેચવા બાબતે ઉર્જા મંત્રીનો જવાબ : ૩ કિલોવોટ સુધી સોલર રૂફટોપ સિસ્ટમ્સના નિયત કરેલ કિંમતના ૪૦ ટકા સબસીડી અને ૩ કિલોવોટથી વધુ તથા ૧૦ કિલોવોટ સુધી ૨૦ ટકા સબસીડી અપાશે

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ તા.૨૫/૯/૨૦૨૦ રાજયમાં સૂર્ય ઊર્જાનો વપરાશ કરતાં ગ્રાહકો દ્વારા વધારાની ઊર્જા વીજ કંપનીઓને વેચવા બાબતે પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં ઊર્જા મંત્રી શ્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે રાજયનાં ઘરવપરાશના વીજ જોડાણો ધરાવતા વીજ ગ્રાહકો સૂર્ય ઊર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી સ્વ- વપરાશ ઉપરાંતની વીજળી વીજ કંપનીને રૂ.૨.૨૫ પ્રતિ યુનિટના ભાવે વેચીને આવક કરી શકે તે માટે રાજય સરકાર દ્વારા તા.૫/૮/૨૦૧૯ના ઠરાવથી ''સૂર્ય- ગુજરાત'' નામની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

આ યોજનામાં ૩ કિલોવોટ સુધી સોલર રૂફટોપ સિસ્ટમ્સના નિયત કરેલ કિંમતના ૪૦ ટકા સબસિડી તથા ૩ કિલોવોટથી વધુ અને ૧૦ કિલોવોટ સુધી ૨૦ ટકા સબસિડી આપવામાં આવશે. તદ્દઉપરાંત, ગ્રુપ હાઉસિંગ સોસાયટી (જીએચએસ) / રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિએશન (આરડબ્લયુએ)ની સોસાયટીની લાઈટ, સોસાયટીનું વોટર વર્કસ, લિફટ, જીમ, સ્વીમિંગ પુલ, બગીચો વગેરે જેવી મઝિયારી સુવિધાઓના વીજ જોડાણો માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવા ૩૦ ટકા સબસિડી નિયમાનુસાર મળવાપાત્ર થશે.

આ યોજના અંતર્ગત કુલ ૧૨૮૬૪૬ અરજીઓ આવેલ છે. તે પૈકી તા.૧૦/૯/૨૦૨૦ની સ્થિતિએ કુલ ૯૮૪૨૨ ઘરવપરાશના ગ્રાહકોના મકાનની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવેલ છે અને તેની કુલ વીજ ક્ષમતા ૩૬૮.૮૪ મેગાવોટ છે. જેમાંથી કુલ ૮૫૪૩૨ સોલર રૂફટોપ સિસ્ટમ કાર્યન્વિત થઈ ગયેલ છે. જેની કુલ વીજ ક્ષમતા ૩૧૮.૯૩ મેગાવોટ છે. સમગ્ર દેશમાં સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત રાજય પ્રથમ સ્થાને છે.

(3:45 pm IST)