ગુજરાત
News of Friday, 25th September 2020

વડોદરાના નવા બજાર વિસ્તારમાં ગ્રહોને દુકાનમાં બોલાવવાની બાબતે બે દુકાનદારો બાખડ્યા: સામસામે હુમલો થતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના નવા બજાર વિસ્તારમાં ગ્રાહકને પોતાની દુકાનમાં બોલાવવાની બાબતે બે દુકાનદારો બાખડતા એક મહિલાને ઇજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે સીટી પોલીસે પતિ પત્ની અને પુત્રની ત્રિપુટી વિરૂદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતા સિરિનબાનુ શેખ નવા બજાર ખાતે કેપ પ્લાસ્ટિક નામની દુકાનમાં પતિ સાથે સિલાઈનું કામ કરે છે. ગઇકાલે તેઓ દુકાનમાં હાજર હતા તે વખતે ગ્રાહકોને રોકીને સિરિનબાનુ પોતાની દુકાને લઈ ગયા હતા. ગ્રાહકના ગયા બાદ બાજુમાં દુકાન ધરાવતા ઉમરભાઈ શેખ તથા તેમની પત્ની સઇદા અને તેમનો પુત્ર માજીદ ( રહે - નવા બજાર, વડોદરા) ફરિયાદીની દુકાનમાં ધસી આવ્યા હતા અને " અમારા ગ્રાહકને કેમ બોલાવી લીધો " તેમ જણાવી અપશબ્દો બોલ્યા હતા. અને ત્યારબાદ ઉશ્કેરાઇને લાકડીના ફટકા મારી ગડદાપાટુનો માર માર્યો હતો. બનાવમાં સિરિનબાનુ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

(5:35 pm IST)