ગુજરાત
News of Friday, 25th September 2020

વડોદરાના મુજમહુડા વિસ્તારમાં બે નશાબાજોએ વેપારીની લારી ફંગોળી દઈ જીવલેણ હુમલો કરતા પોલીસે ફરિયાદના આધારે ધરપકડ કરી

વડોદરા:શહેરના મુજમહુડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે આમલેટની લારી બંધ કરી સાફ-સફાઈ કરી રહેલા કર્મચારીઓને માર મારી ટેબલો ફંગોળી દઈ બે નશેબાજોએ તોફાન મચાવ્યું હતું. બનાવના પગલે ઘટના સ્થળે દોડી આવેલી જે.પી પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ગણેશ પાટીલ ( રહેવાસીઅટલાદરા) મુજ મહુડા વિસ્તારના અશ્વમેઘ કોમ્પ્લેક્સ પાસે આમલેટની લારી પર નોકરી કરે છે. વીતેલી રાત્રે સવા બાર વાગ્યે તેઓ લારી બંધ કરી વાસણોની સાફસફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન ધુપદ ભટ્ટ અને ચિરાયું નાગાચિત્રા ( બન્ને રહે - મુજમહુડા ) નશો કરેલી હાલતમાં લારી ખાતે ધસી આવ્યા હતા.  

ફરિયાદીએ દુકાન બંધ હોવાનું કહેતા ઉશ્કેરાયેલા નશાબાજે તમારા શેઠ ક્યાં છે તેમને બોલાવ તેમ કહી તોફાન મચાવ્યું હતું. અને ટેબ્લો ઊંધા પાડી દઈ કર્મચારીઓને દુકાનની બહાર કાઢી હાથપાઈ કરી હતી, અને દુકાન બંધ કરાવી દઈશ નોકરી પર કેવો આવે છે તે હું કાલથી જોઉં છું તેવી ધમકી આપી હતી બનાવની જાણ કર્મચારીએ પોલીસ કંટ્રોલમાં કરતા જે.પી.રોડ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તોફાન મચાવનાર બન્ને શખ્સોને ઝડપી પાડી તેઓની વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

(5:36 pm IST)