ગુજરાત
News of Friday, 25th September 2020

ગાંધીનગરમાં એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન બે રીઢા ઘરફોડિયા ચોરોને ઝડપી ચોરીના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર:શહેરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે ગાંધીનગર એલસીબી- ની ટીમે શહેરમાંથી પેટ્રોલીંગ દરમ્યાન બે રીઢા ઘરફોડીયાને ઝડપી લીધા હતા. જેમની પુછપરછમાં ગાંધીનગર શહેરમાં સે-ર૧ પોલીસની હદમાં થયેલી આઠ જેટલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના દાગીના, ટીવી, મોબાઈલ સહિત .ર૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમની પુછપરછ દરમ્યાન ચોરીના વધુ ગુના ઉકેલાવાની શકયતા પણ પોલીસ સેવી રહી છે.      

ગાંધીનગર શહેર અને જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ અગાઉ બનેલા ગુનાઓ ઉકેલવાની સાથે આવી ઘરફોડ ચોરીઓ અટકાવવા પોલીસને તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબી પીઆઈ એચ.પી.ઝાલાએ સ્ટાફના માણસોને પેટ્રોલીંગ કરીને બાતમીદારોને સક્રિય કરી આરોપીઓને પકડવા સૂચના આપી હતી. જેના પગલે એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એએસઆઈ હરદેવસિંહ, પો.કો.નરેશભાઈ અને સુરેન્દ્રસિંહની બાતમીના આધારે રવિ દલસુખભાઈ દંતાણી રહે.કોબા સર્કલ પાસે, મુળ રાંધેજા, યોગેશ ઉર્ફે યોગો દીલીપભાઈ દંતાણી રહે. મીનાબજાર સચિવાલય પાછળ, મુળ ઓરણ તા.પ્રાંતિજને ઝડપી લીધા હતા. જેમની પુછપરછ કરતાં બન્ને આરોપીઓએ ગાંધીનગર શહેરમાં સે-ર૧ પોલીસ મથકની હદમાંથી અલગ અલગ સમયે આઠ જેટલી ઘરફોડ ચોરીઓ કરી હોવાની કબુલાત કરી હતી અને જે અંગે પોલીસે તપાસ કરતાં ગુના પણ નોધાયા હતા. આરોપીઓએ સંતાડેલો ચોરીનો મુદ્દામાલ દાગીના, ટીવી, મોબાઈલ, લેપટોપ સહિત .ર૦ લાખની મત્તા કબ્જે લેવામાં આવી હતી. અગાઉ પણ ગાંધીનગર શહેરમાં સે-ર૧ પોલીસ મથકના ચોરીના ગુનામાં રવિ દંતાણી ઝડપાયો હતો જયારે યોગેશ જુગારના ગુનામાં પકડાઈ ચુકયો છે. આરોપીઓની અટકાયત કરીને સે-ર૧ પોલીસને સોંપવામાંઆવ્યા છે જેની પુછપરછમાં હજુ પણ વધુ ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલાવાની શકયતા પોલીસ વ્યકત કરી રહી છે.

(5:39 pm IST)