ગુજરાત
News of Friday, 25th September 2020

સુરતમાં 52 વર્ષીય મહિલાએ 23 દિવસના અંતે કોરોના સામે જંગ જીત્યો

ચાર દિવસ ખાનગી હોસ્પિટલ અને 19 દિવસ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી

સુરત : શહેરના કોરોના સંક્રમણ વચ્ચે અનેક લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ રહ્યા છે. શહેરનો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. શહેરના ડિંડોલી વિસ્તારની પ્રિયંકા સોસાયટીમાં રહેતા 52 વર્ષીય શોભાબેન ગોડસે ચાર દિવસ ખાનગી હોસ્પિટલ અને 19 દિવસ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી કોરોનાને મ્હાત આપી હતી. શોભાબેન ગોડસેને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. હાઈ બ્લડ પ્રેશર હોવાથી ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા.

કોરોનામુક્ત શોભાબેનના પુત્ર રાકેશ ગોડસેએ જણાવ્યું કે, મારા મમ્મીને 25 ઓગસ્ટે ખાનગી હોસ્પિટલ માં દાખલ કર્યા હતા. હાઇ બ્લડ પ્રેશરના કારણે ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. ત્યાંથી 29 ઓગસ્ટે સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા. સિવિલમાં 19 દિવસ અને પ્રાઇવેટમાં 4 દિવસ એમ કુલ 23 દિવસની સારવારમાં 21 દિવસ ઓક્સિજન પર રહી સ્વસ્થ થયા છે. પરિવાર સિવિલ હોસ્પિટલનો ઋણી છે.સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.વિવેક ગર્ગ ના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલની ટીમ મોટી સંખ્યામાં દર્દીઓને સ્વસ્થ કરવામાં સફળતા મેળવી રહ્યા છે.

(8:59 pm IST)