ગુજરાત
News of Friday, 25th September 2020

રાજ્યની દરીયાઈ સીમાઓ વધુ સિરક્ષિત અને મજબૂત બનશે

ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા-૨૦૦૩નુ સુધારા વિધેયક : પાક. મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા માછીમારોના તથા ફિશિંગ બોટના અપહરણ અટકે તે માટે પગલાં લેવાશે

ગાંધીનગર,તા.૨૫ : ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સીમાઓ પસાર થાય છે ત્યારે ગુજરાતની આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાઓને વધુ સુરક્ષિત બનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે રાજય સરકાર કટિબધ્ધ છે એમગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે. આજે વિધાનસભા ખાતે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા-૨૦૦૩નુ સુધારા વિધેયક રજૂ કરતા મંત્રી જાડેજાએ ઉમેર્યું હતુ કે, પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય ફિશિંગ બોટના અપહરણ અટકાવવા માટે સુરક્ષાનાં પગલાં વધુ સઘન કરવાની સાથે સાથે આપણા માછીમારો પણ સરહદ ઓળંગી ન જાય તે માટે અવેરનેશના વિવિધ કાર્યક્રમો ઉપરાંત કેટલાક કડક પગલાંની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત ૧૬૦૦ કિ.મી.નો દરિયાકાંઠો ધરાવે છે.

                જેમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકના વિસ્તારમાં ગુજરાતના તેમજ અન્ય રાજ્યોના માછીમારો લાલ પરી નામનું વિશિષ્ટ પ્રકારનું સારું મત્સ્ય પકડવાની લાલચમાં પ્રવેશી જતા હોય છે. જેના કારણે પાકિસ્તાન મેરીટાઇમ સીક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય ફીશીંગ બોટોના અપહરણના બનાવો બનતા રહે છે. આ ઘટનાઓ અટકાવવાના હેતુસર જરૂરી પગલા લેવા આવશ્યક હોઈ, રાજ્ય સરકાર દ્વારા આ સુધારા વિધેયક લવાયુ છે. રાજ્યનાં માછીમારોની આર્થિક ઉત્થાનની પ્રવૃત્તિ સાથે સાથે રાષ્ટ્રની સુરક્ષા અને સલામતિ પણ અત્યંત આવશ્યક છે તેમ કહી મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, રાજયમાં ૧.૬૪ લાખ કિમીના વિસ્તારની ખંડીય છાજલી (કોન્ટીનેન્ટલ સેલ્ફ) આવેલી છે. જયારે ર.૧૪ લાખ ચોરસ કિમી વિસ્તારનો એટલે કે ૨૦૦ નોટિકલ માઇલ સુધી એકસકલુઝીવ ઈકોનોમીક ઝોન વિસ્તાર (વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર) આવેલો છે. ગુજરાત રાજયમાં દરિયાઇ, આંતરદેશીય (મીઠું પાણી –ઇનલેન્ડ વોટર) અને ભાંભરાપાણી(મીઠું અને ખારુ પાણી ભેગું થાય તે ક્ષેત્ર)નાં ક્ષેત્રમાં મત્સ્યોદ્યોગ વિકાસની વિપુલ પ્રમાણમાં તકો ઉપલબ્ધ છે. જેને કારણે રાજ્યમાં વર્ષ ર૦૧૯-૨૦ના અંતે કુલ મત્સ્ય ઉત્પા્દન ૮,૫૮,૨૭૨ મેટ્રીક ટન થયુ છે. રાજયના પ્રાદેશિક જળ વિસ્તારમાં કિંમતી અને વિપુલ જથ્થામાં પાપલેટ, લોબસ્ટર, ઝિંગા, સ્કવીડ, બુમલા તથા સુરમાઇ જેવી માછલીઓ મળે છે. તેથી જ રાજયમાં માછીમારીની સાનૂકૂળ પરિસ્થિતિના કારણે આજે ગુજરાતના દરિયાઇ જળ વિસ્તારમાં અન્ય રાજયોના માછીમારો માછીમારી કરવા લલચાય છે.

                    મંત્રીએ ઉમેર્યુ કે દરિયા કિનારાની સુરક્ષા આંતરિક  તથા દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી બાબત હોય તેનું મહત્વ સમજીને તેમજ દાણચોરી અને વિસ્ફોટકોની હેરફેરમાં દરિયાઇ માર્ગના વધતા જતા દુરૂપયોગ અને સુલભતાને ધ્યાનમાં રાખી ગુજરાત રાજયના દરિયા કિનારા પર ચાંપતી નજર અને આંતકવાદી વિરોધી દળ સાથે અસરકારક સંકલન જળવાઇ રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા રાજયના મરીન પોલીસ દળની દેખરેખ અધિક પોલીસ મહાનિદેશક, એટીએસ અને કોસ્ટલ સિકયુરીટી હસ્તક મુકવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાનાં સંદર્ભમાં રાજયની મરીન પોલીસને ગુજરાતના પ્રાદેશિક જળ વિસ્તારમાં માછીમારી કરતી કોઈ પણ પ્રકારનીફીશીંગ વેશેલ્સ/બોટ/ક્રાફ્ટ/ડીપ સી બોટ અથવા અન્ય કોઈ યાંત્રીક ૨ચના કે મછવોની તપાસ અને જપ્તી એટલે કે સત્તાઓ આપવા માટે જરુરી જોગવાઈ કરવામાં આવી છે.

(9:34 pm IST)