ગુજરાત
News of Saturday, 25th September 2021

અમદાવાદ જીલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના ૧૧,૮૪,૨૭૧ લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

અમદાવાદ જીલ્લાના કુલ ૪૬૬ ગામો પૈકી ૩૧૨ ગામોમાં જિલ્લાના લાભાર્થીઓની પ્રથમ ડોઝની કામગીરી ૧૦૦% કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ તા.૧૬/૦૧/૨૦૨૧ના રોજ કોવીડ-૧૯ રસીકરણની શરૂઆત કરાવેલ છે. જે પૈકી અમદાવાદ જીલ્લા (ગ્રામ્ય)માં અત્યાર સુધીમાં રાજ્યકક્ષાએથી ફાળવેલ લક્ષાંક ૧૮ વર્ષથી ઉપરના અને મતદાર યાદી અનુસાર કુલ ૧૧,૮૩,૨૧૮ લાભાર્થી સામે ૧૧,૮૪,૨૭૧ (૧૦૦%) લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે. અમદાવાદ જીલ્લાના કુલ ૪૬૬ ગામો પૈકી ૩૧૨ ગામોમાં જિલ્લાના લાભાર્થીઓની પ્રથમ ડોઝની કામગીરી  ૧૦૦% કરવામાં આવેલ છે. અમદાવાદ જીલ્લામાં કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલિયા , મુખ્ય  જિલ્લા  આરોગ્ય અધિકારી ડૉ.શૈલેષ પરમાર અને આરસીએચઓ ડો.ગૌતમ નાયકના માર્ગદર્શન તથા મોનીટરીંગ હેઠળ ૪૬૬ ગામમાં કોવીડ-૧૯ રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગ ઉપરાંત વિવિધ સરકારી વિભાગો અને પદાધીકારીઓ દ્વારા પણ અમુલ્ય સહકાર આપવામાં આવી રહ્યો છે. કોવીડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ લીધા પછી બીજો ડોઝ પણ સમયસર લેવાનો આગ્રહ રાખવો જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે કોવીડ-૧૯ રસીકરણની લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે. જેમ કે, માસ્કનો ઉપયોગ કરીશુ, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોઇશુ, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરીશુ, વ્યક્તિઓ વચ્ચે  સોશિયલ ડિસ્ટન્સ  રાખીશુ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે તેમ અમદાવાદ જીલ્લા આરસીએચઓ ડો.ગૌતમ નાયકે જણાવ્યુ હતુ.

(8:27 pm IST)