ગુજરાત
News of Saturday, 25th September 2021

પતિની ક્રૂરતા, પત્ની રડે નહીં ત્યાં સુધી સંભોગ કરતો હતો

ચાંદખેડાની પરીણિતાની પતિ-સાસરિયા સામે ફરિયાદ : પરીણિતાને ઘર લેવા પૈસા લાવવા દબાણ કરાતું, ભારે અત્યાચારથી કંટાળી અંતે મહિલાની પોલીસમાં ફરિયાદ

અમદાવાદ, તા.૨૫ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક પરિણીતાએ પતિ અને સાસરિયા સામે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ ચોંકાવનારો આક્ષેપ કરતા જણાવ્યું છે કે, તેનો પતી તેની સાથે ખરાબ રીતે વર્તન કરી શારીરિક સંબંધ બાંધતો અને જ્યાં સુધી પત્ની રડે નહીં ત્યાં સુધી તેવું કૃત્ય કરતો હતો. સમગ્ર મામલે પોલીસે પતિ અને સાસરિયા સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મૂળ રાજસ્થાનની અને હાલમાં ચાંદખેડામાં રહેતી ૩૭ વર્ષીય વર્ષા (નામ બદલ્યું છે)ના વર્ષ ૨૦૦૬માં લગ્ન થયા હતા. લગ્ન બાદ પિયરે આપેલી સોગાદ લઈને વર્ષા સાસરે આવી હતી. લગ્ન જીવન દરમિયીન પ્રીતિને બે બાળકો પણ થયા. જો કે, જેઠના લગ્ન થયા બાદ સાસરિયાઓ વર્ષા સાથે વિચિત્ર વર્તન કરવા લાગ્યા હતા. એટલું નહીં, મકાન લેવાનું છે તેવું કહીને પિયરમાંથી રૂપિયા અને દાગીના લાવવા માટે પણ સાસરિયાઓ પરિણીતાને દબાણ કરવા લાગ્યા હતા.

વર્ષાને પતિ સહિતના સાસરિયા ત્રાસ આપતા હતા પરંતુ ઘર સંસાર બગડે તે માટે તે બધુ સહન કરતી હતી, આમ છતાં પતિ કહેતો હતો કે, હું જેમ કહું તેમ સંબંધ બાંધવાના, નહીં તો તારા જેવી બહાર હજારો મળે છે. એટલું નહીં, વર્ષાના નંણદોઈ અને નણંદ વચ્ચે ઝઘડો થતાં જેઠ અને નણંદે વર્ષાને નણંદોઈ સામે રેપની ખોટી ફરિયાદ નોંધાવવા માટે પણ કહ્યું હતું.

દરમિયાન વર્ષા જ્યારે અમદાવાદ રહેવા આવી ત્યારે પણ પતિ બબાલો કરી શારીરિક સંબંધ બાંધતો હતો અને વર્ષા રડી પડે ત્યાં સુધી અત્યાચાર કરીને શારીરિક સંબંધો બાંધતો હતો. એટલું નહીં, એફડીમાંથી નાણા પણ કઢાવીને ઘરમાંથી કાઢી મૂકતા આખરે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિ તેમજ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી હતી.

(9:02 pm IST)