ગુજરાત
News of Sunday, 25th September 2022

કોંગ્રેસને મત આપશે તો રાહુલની અને ભાજપને વોટ આપશો તો શાહના પુત્રની પ્રગતિ થશે: કેજરીવાલ

કેજરીવાલે કહ્યું -ગુજરાતમાં અમે સભા માટે જે સ્થળ માંગીએ ત્યાં કેન્સલ કરાવે છે. ગુજરાતમાં આ ગુંડાગર્દીનોં જવાબ જનતા આપશે. અમારી 12 સભાઓ રદ્દ કરાવાનો પ્રયત્ન કર્યો છે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ત્રણેય પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ, રોડ શો કરી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં હજુ ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. 

આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમે સભા માટે જે સ્થળ માંગીએ ત્યાં કેન્સલ કરાવે છે. ગુજરાતમાં આ ગુંડાગર્દીનોં જવાબ જનતા આપશે. અમારી 12 સભાઓ રદ્દ કરાવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતને 27 વર્ષ બાદ હવે કંઈક નવું મળશે. સોનિયા ગાંધીને વોટ આપશે તો રાહુલ ગાંધીની પ્રગતિ થશે. ભાજપને વોટ આપશો તો અમિત શાહના દીકરાની પ્રગતિ થશે. આ લોકો ગુજરાતની પ્રગતિ જોઈ શકતા નથી. મને આતંકવાદ સાથે સરખાવી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, આજે મને રાજ્યની બહેનના આંસુ જોઇ મારું હ્રદય પણ દ્રવિત થયું. પરંતુ હું વિશ્વાસ અપાવું છું કે અમે ગુજરાતમાં યુવાનોને રડવા નહી છોડીએ. ભગતસિંહે નહોતું વિચાર્યું કે દેશ આઝાદ થયા પછી આ સ્થિતિ હશે. 27 વર્ષ માં લોકોને રોજગાર નથી મળ્યો, સરકારી શાળા ખરાબ, પેપર ફુટવા જેવી ઘટનાઓ  બની રહી છે તો આ લોકોને વોટ શુ કામ આપો છો? કોંગ્રેસ ભાજપ કરતાં પણ વધારે ખરાબ છે, તેમને વોટ ન આપવો પડે એટલે ભાજપને વોટ આપો છે. પરંતુ આજે મારે ઉમેરવું છે કે હવે તમારી પાસે મજબુત વિકલ્પ છે કટ્ટર રાષ્ટ્રવાદી પાર્ટી.  

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં 5 વર્ષમાં 12 લાખ લોકો માટે રોજગારની વ્યવસ્થા કરી. જ્યા સુધી રોજગારી ઉભી નહી કરીએ ત્યાં સુધી બેરોજગાર યુવાનોને ૩ હજાર બેરોજગારી ભથ્થું આપીશું. જો અમારી સરકાર બનશે તો ભાજપા અને મોદીના નારા લગાડવા વાળા લોકોને પણ ભથ્થું અને રોજગારી આપીશું. આજે રાજ્યમાં એટલો ભ્રષ્ટાચાર વધ્યો છે કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓની પ્રોપર્ટી વેચી દેવામાં આવે તો પણ ગુજરાતનું દેવું ઉતરી જાય. ગુજરાતના શિક્ષણ અને આરોગ્યમાં લાખો રોજગાર ઉત્પન્ન થશે. ગુજરાતમાં ૨૦ હજાર મહોલ્લા ક્લીનીક ખોલીશું જેમાં 1 લાખ રોજગાર પેદા થશે

(3:45 pm IST)