ગુજરાત
News of Thursday, 24th November 2022

દર કલાકે ઝડપાયો અઢી લાખ રૂપિયાનો દારૂ

ચૂંટણી પ્રચાર દરમ્‍યાન ચેકીંગની અસર : નશાબંધી કાયદા હેઠળ ૧૫ દિવસમાં ૨૦૭૬૧ લોકો ઝડપાયા

અમદાવાદ, તા.૨૪ : પ્રથમ તબક્કા મતદાન આડે ૭ દિવસ રહ્યા છે ત્‍યારે ડ્રાય ગુજરાત પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે. પણ રાજધાની પોલિસ પ્રયાસો કરી રહી છે કે ચૂંટણી પ્રચારનું પુરજોશમાં ચાલુ રહેલુ કામ દારૂ વગર ચાલે. ૩ નવેમ્‍બરે રાજય વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઇ ત્‍યારથી ગઇકાલ સુધીમાં ગુજરાત પોલીસે ૧૦ફ૭૪ કરોડ રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે. નવેમ્‍બર ૨૧ સુધીમાં દર કલાકે સરેરાશ અઢી લાખ રૂપિયાનો દારૂ પકડાયો છે.

ગુજરાત પોલીસના અધિકારીઓએ કહ્યું કે તેઓ ગેરકાયદે દારૂના ધંધા પર ચાપતી નજર રાખી રહ્યા છે. એક સીનીયર પોલીસ અધિકારીએ કહ્યું, ‘મુકત અને યોગ્‍ય ચૂંટણીઓ માટે રાજયમાં દારૂની છૂટથી હેરફેર ના થાય તે જોવું જરૂરી છે.

પોલીસ તરફથી મળેલા આંકડાઓ અનુસાર, ૧૮ દિવસમાં ગુજરાત પોલીસે ૧ લાખ લીટર દેશી અને ૧.૯૭ લાખ લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે જેની કિંમત ૧૦.૭૪ કરોડ રૂપિયા થાય છે. સપ્‍ટેમ્‍બર અને ઓકટોબર મહિનામાં ગુજરાત પોલીસે દર કલાકે સરેરાશ સવા બે લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો હતો.

ઓકટોબર મહિનામાં ૧૭.૦૭ કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો હતો જયારે સપ્‍ટેબર મહિનામાં ૧૫.૮૪ કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. એક સીનીયર પોલિસ અધિકારીએ કહ્યું, ૩ નવેમ્‍બર અને ૧૮ નવેમ્‍બર વચ્‍ચે ગુજરાત પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ ૨૫૨૯૧ કેસ નોંધીને ૨૦૮૬૧ લોકોની ધરપકડ કરી હતી. આ અધિકારીએ કહ્યું કે પ્રોહીબીશનના કેસ અને ધરપકડની સંખ્‍યામાં નાટકીય વધારો થયો છે.

આ અધિકારીએ કહ્યું, ઓકટોબરમાં પોલીસે ૧૪૭૯૮ કેસ નોંધ્‍યા હતા અને ૧૪૫૪૭ લોકોની ધરપકડ કરી હતી. સપ્‍ટેમ્‍બ્ર મહિનામાં પ્રોહીબીશન એકટ હેઠળ ૧૪૩૧૦ કેસ નોંધાયા હતા અને ૧૪૪૫૯ લોકોની ધરપકડ થઇ હતી.

(10:15 am IST)